રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી રાહતઃ માનહાનીનો કેસ રદ
કાયદાકીય પ્રક્રિયામાં રહેલી મોટી ખામીને ધ્યાનમાં રાખીને અંતિમ ચુકાદો આપ્યો વીર સાવરકર વિરૂધ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ લખનૌ કોર્ટે સંપૂર્ણ કેસ બંધ કર્યો

નવી દિલ્હી, તા.૧૪: વિપક્ષી નેતા રાહુલ ગાંધી માટે કાનૂની મોરચેથી અત્યંત મહત્વના અને આશ્વાસનરૂપ સમાચાર સામે આવ્યા છે. સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર વિરુદ્ધ કથિત વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ઉત્તર પ્રદેશની લખનૌ નીચલી અદાલત દ્વારા જારી કરવામાં આવેલા ફોજદારી સમન્સ અને તમામ કાનૂની કાર્યવાહીને સુપ્રીમ કોર્ટે સંપૂર્ણપણે રદબાતલ ઠેરવી દીધી છે. કાયદાકીય પ્રક્રિયાની મોટી ખામીને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતે આ ચુકાદો આપ્યો છે, જેનાથી રાહુલ ગાંધી સામે ચાલી રહેલી એક મોટી કાનૂની કાર્યવાહીનો અંત આવ્યો છે.
આ સમગ્ર વિવાદ વર્ષ ૨૦૨૨ની ભારત જોડો યાત્રા સમયનો છે, જ્યારે મહારાષ્ટ્રમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ વીર સાવરકર અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે સાવરકરને અંગ્રેજોના નોકર ગણાવ્યા હતા અને તેમને બ્રિટિશ હુકૂમત પાસેથી પેન્શન મળતું હોવાનો દાવો કર્યો હતો. આ વક્તવ્યથી સામાજિક સમરસતા જોખમાતી હોવાનો આરોપ મૂકીને વકીલ નળપેન્દ્ર પાંડેએ લખનૌ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. નીચલી અદાલતે આ બાબતને ગંભીર ગણીને ભારતીય દંડ સંહિતાની કલમ ૧૫૩A અને ૫૦૫ હેઠળ પ્રથમ દૃષ્ટિએ કેસ બનાવી રાહુલ ગાંધી સામે સમન્સ જારી કર્યા હતા.
આ કાર્યવાહી વિરુદ્ધ રાહુલ ગાંધીએ અલ્હાબાદ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા, પરંતુ ત્યાંથી કોઈ રાહત ન મળતાં મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી દરમિયાન દલીલ કરવામાં આવી હતી કે આ કલમો હેઠળ ફોજદારી કેસ ચલાવવા માટે ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી જે કાનૂની મંજૂરી લેવી ફરજિયાત હોય છે, તે લેવામાં જ આવી નહોતી. સુપ્રીમ કોર્ટે અગાઉ જારી કરેલા વચગાળાના સ્ટેને આખરી આદેશમાં ફેરવતાં સ્પષ્ટ કર્યું કે યોગ્ય સરકારી મંજૂરી વિના નીચલી કોર્ટ આવી કાર્યવાહી આગળ ધપાવી શકે નહીં, અને આ સાથે જ લખનૌ કોર્ટના સમન્સ અને સમગ્ર કાર્યવાહીને રદ કરી દીધી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
