<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

મોંઘવારીના મોરચે ‘ગુડ ન્‍યૂઝ': જુલાઈમાં જથ્‍થાબંધ ફુગાવો ગગડીને ૯.૭૮ ટકા થયો

ખાદ્યચીજોના ભાવ હજુય આસમાનેઃ જૂન મહિનામાં ૯.૮૭ ટકા નોંધાયો હતો

નવી દિલ્‍હી, તા.૧૪: આકરા તાપ અને મોંઘવારીની બેવડી માર વેઠી રહેલી આમ જનતા અને દેશના અર્થતંત્ર માટે રાહતના સમાચાર સામે આવ્‍યા છે. દેશમાં જથ્‍થાબંધ ફુગાવાના દરમાં આખરે પીછેહઠ જોવા મળી છે. વાણિજ્‍ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરમાં સુધારેલા જથ્‍થાબંધ ભાવ સૂચકાંકના આંકડા મુજબ, જૂન મહિનામાં ૯.૮૭ ટકાની ઊંચી સપાટીએ પહોંચેલો WPI ફુગાવો જુલાઈમાં ઘટીને ૯.૭૮ ટકા પર આવી ગયો છે. રોઇટર્સ જેવા અગ્રણી આંતરરાષ્‍ટ્રીય અહેવાલોએ જુલાઈમાં WPI ૯.૯૫ ટકા રહેવાની ભીતિ દર્શાવી હતી, પરંતુ વાસ્‍તવિક આંકડા અંદાજ કરતાં વધુ સાનુકૂળ આવતાં બજારમાં આશાનું નવું કિરણ પ્રગટયું છે.

આ ઘટાડા પાછળનું સૌથી મોટું અને મુખ્‍ય કારણ ઇંધણ અને વીજળીના ક્ષેત્રે આવેલી ભારે ઓટ છે. મે મહિનામાં ૩૦.૩૩ ટકા અને જૂનમાં ૨૭.૪૧ ટકાના ભડકે બળતા સ્‍તરે પહોંચેલો ઇંધણ-વીજળીનો ફુગાવો જુલાઈમાં નોંધપાત્ર રીતે ગગડીને ૨૦.૦૫ ટકા પર આવી પહોંચ્‍યો છે. તેલ અને વીજળીના દરો શાંત પડતાં એકંદર જથ્‍થાબંધ આંકડાને મોટો સહારો મળ્‍યો છે. જોકે, બીજી તરફ સામાન્‍ય માણસની થાળી હજુ પણ મોંઘી જ રહી છે. શાકભાજી, અનાજ અને અન્‍ય પ્રાથમિક ચીજવસ્‍તુઓનો ફુગાવો જૂનના ૭ ટકાથી વધીને જુલાઈમાં ૮.૫૨ ટકા થઈ ગયો છે. એ જ રીતે, ઉત્‍પાદિત વસ્‍તુઓનો ફુગાવો પણ ૮.૨૯ ટકા અને WPI ફૂડ ઈન્‍ડેક્‍સ ૬.૬૫ ટકા નોંધાયો છે, જે દર્શાવે છે કે કિચન બજેટ પરનું દબાણ હજુ યથાવત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે તાજેતરમાં જ WPI શ્રેણીમાં મોટો સુધારાત્‍મક ફેરફાર કર્યો છે, જેમાં વર્ષ ૨૦૧૧-૧૨ના જૂના આધાર વર્ષને બદલે ૨૦૨૨-૨૩ને નવું આધાર વર્ષ ગણવામાં આવ્‍યું છે. જેમાં સૌર, પવન અને પરમાણુ ઊર્જા જેવા આધુનિકસ્ત્રોતોનો ઉમેરો કરાયો છે. નવામાં ઉત્‍પાદિત વસ્‍તુઓનું વજન સૌથી વધુ ૬૩.૧ ટકા, પ્રાથમિક વસ્‍તુઓનું ૨૨.૮ ટકા અને ઇંધણ-વીજળીનું ૧૪.૧ ટકા રખાયું છે. જોકે, જૂનમાં છૂટક ફુગાવો વધીને ૪.૪૫ ટકા થયો હોવાથી સામાન્‍ય ગ્રાહકો સુધી આ જથ્‍થાબંધ દરોની રાહત પહોંચવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ આગામી દિવસોમાં ભાવશાંતિની આશા ચોક્કસ બંધાઈ છે.

(3:18 PM IST)