કોમેડિયન સમય રૈના અને યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાને સુપ્રીમ કોર્ટમાંથી બહુમોટી રાહત: 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શો વિવાદમાં તમામ એફઆઈઆર રદ!
દિવ્યાંગો પર વાંધાજનક ટિપ્પણી અને અશ્લીલતા ફેલાવવાના કેસમાં સુપ્રીમ કોર્ટે કરી આકરી ઝાટકણી: પરંતુ આખરે રાહત આપતા દેશભરની તમામ કેસ પ્રક્રિયાઓ પર મૂક્યો પૂર્ણવિરામ

નવી દિલ્હી: તા.14: સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના અને જાણીતા યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા (બીયરબાઇસેપ્સ) માટે શુક્રવારનો દિવસ ભારે રાહત લઈને આવ્યો છે. સુપ્રીમ કોર્ટે લોકપ્રિય શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' (India's Got Latent) દરમિયાન દિવ્યાંગ વ્યક્તિઓ વિશે કરવામાં આવેલી અસંવેદનશીલ અને વિવાદિત ટિપ્પણીઓ અંગે દેશના વિવિધ રાજ્યોમાં નોંધાયેલી તમામ એફઆઈઆર (FIR) રદ કરી દીધી છે. કોર્ટના આ આદેશ સાથે જ આ કલાકારો સામે ચાલી રહેલી કાનૂની કાર્યવાહીનો અંત આવ્યો છે.
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે સમય રૈનાના શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં રણવીર અલ્હાબાદિયા મહેમાન તરીકે પહોંચ્યો હતો અને શો દરમિયાન કેટલીક વાંધાજનક તથા અશ્લીલ ગણાય તેવી ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ મુદ્દે દિવ્યાંગ અધિકાર સંગઠનો અને મુસાફરો/નાગરિકો તરફથી ભારે વિરોધ થયો હતો અને વિવિધ રાજ્યોમાં તેમની સામે સમાજમાં અશ્લીલતા ફેલાવવા અને દિવ્યાંગોનું અપમાન કરવા બદલ પોલીસ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. જે બાદ રણવીરે તમામ એફઆઈઆરને એકત્રિત કરવા અને ધરપકડ સામે રક્ષણ મેળવવા સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંત અને એન. કોટિશ્વર સિંહની ખંડપીઠે બંને યુવા કલાકારોની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે "વાણી સ્વાતંત્ર્ય (Freedom of Speech) નો અર્થ એ નથી કે કોઈને પણ સામાજિક મર્યાદાઓ અને નૈતિકતાનું ઉલ્લંઘન કરવાની છૂટ મળી જાય." આ ઉપરાંત સમય રૈના દ્વારા કેનેડામાં શો દરમિયાન કોર્ટની પ્રક્રિયાની મજાક ઉડાવવા બદલ રૂ. 3 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જોકે, કોર્ટે રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટ 'ધી રણવીર શો' સાથે જોડાયેલા 280 કર્મચારીઓની રોજીરોટી ધ્યાને રાખીને પોડકાસ્ટ ફરી શરૂ કરવાની મંજૂરી પણ આપી હતી.
આખરે, તમામ પાસાઓ અને પક્ષકારોની રજૂઆતો સાંભળ્યા બાદ, સુપ્રીમ કોર્ટે બંને કલાકારો સામેની તમામ વિવાદિત એફઆઈઆર રદ કરવાનો ચુકાદો આપ્યો છે. આ સાથે જ કોર્ટે ભવિષ્યમાં પોતાની સામગ્રી અને ભાષા પ્રયોગ પ્રત્યે વધુ જવાબદાર રહેવાની કડક સૂચના પણ આપી છે. કોર્ટના આ ચુકાદાથી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સમાં ભારે ચર્ચા જાગી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
