<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરનારને મળવા લાગી રેપ અને અપહરણની ભયાનક ધમકીઓ: મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટે, 18 ઓગસ્ટે થશે ઇમરજન્સી સુનાવણી!

'કોર્ટમાં વર્ણવી પણ ન શકાય તેવા ધમકીભર્યા વીડિયો સામે આવ્યા': વિદ્યાર્થી આંદોલનમાં ભાગ લેનાર મહિલાઓ ટાર્ગેટ થતાં સુપ્રીમ કોર્ટ ચિંતાતુર

નવી દિલ્હી: તા.14: પાટનગર દિલ્હીના જંતર-મંતર પર યોજાયેલા વિદ્યાર્થી આંદોલન બાદ હવે એક સનસનાટીભર્યો કાનૂની મોરચો મંડાયો છે. આંદોલનમાં ભાગ લેનારા પ્રદર્શનકારીઓને સતત બળાત્કાર (રેપ), અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હોવાના ગંભીર આરોપો સાથે અરજદારે જીવના જોખમ સામે સુરક્ષા મેળવવા માટે દેશની સર્વોચ્ચ અદાલત (Supreme Court) ના દ્વાર ઠોક્યા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત સમક્ષ આ અરજીનો તાકીદે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના પર કોર્ટે ગંભીર નોંધ લીધી છે.

 

સુનાવણી દરમિયાન અરજદારના વકીલે ચીફ જસ્ટિસને જણાવ્યું હતું કે અરજી દાખલ કર્યા પછી પણ કથિત ગુંડાગીરી, સતામણી અને બળાત્કારની ધમકીઓની ઘટનાઓ અટકી નથી. વકીલે કોર્ટ સમક્ષ પુરાવા રૂપે કેટલાક વીડિયો રજૂ કરતા કહ્યું હતું કે, "નવા સામે આવેલા કેટલાક વીડિયો એટલા ભયાનક અને ખલેલ પહોંચાડનારા છે કે ખુલ્લી કોર્ટમાં તેનું વર્ણન કરવું પણ શક્ય નથી." આ કળિયુગી કૃત્યો અને સતત વધતી તાકીદને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આ મામલાને આગામી મંગળવારે, એટલે કે 18 ઓગસ્ટે સુનાવણી માટે સૂચિબદ્ધ કરવા સંમતિ દર્શાવી છે.

 

રિપોર્ટ્સ અનુસાર, NEET પરીક્ષા અને પેપર લીકની અનિયમિતતાઓ સામે જંતર-મંતર ખાતે યોજાયેલા આંદોલનમાં ભાગ લેનારી મહિલા પ્રદર્શનકારીઓને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ટાર્ગેટ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર તેમની અંગત માહિતી લીક (Doxxing) કરીને જાતીય હિંસા અને ટોર્ચર કરવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. મહિલાઓની સુરક્ષા અને તેમના મૌલિક અધિકારો પર સીધો પ્રહાર થતાં આ મામલો હવે સુપ્રીમ કોર્ટ માટે અત્યંત સંવેદનશીલ બની ગયો છે.

 

અત્રે નોંધનીય છે કે, સર્વોચ્ચ અદાલત પહેલાથી જ વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલી અનેક પેન્ડિંગ અરજીઓ, પોલીસ કાર્યવાહી અને વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી એફઆઈઆરના કેસોની સુનાવણી કરી રહી છે. હવે કથિત સાયબર કૌભાંડ અને જાતીય ઉત્પીડનના આ નવા વીડિયો પુરાવાઓને પણ 18 ઓગસ્ટે મુખ્ય પીઠ દ્વારા અન્ય અરજીઓ સાથે સાંભળવામાં આવશે. કોર્ટના આ આદેશ પર હવે સમગ્ર દેશની નજર ટકેલી છે.

 

(3:48 PM IST)