News of Friday, 14th August 2026
VIP સંસ્કૃતિનો અહંકાર અને ખાખીનું અપમાન: મંદિરમાં ગર્ભગૃહમાં જતાં રોકતાં ભાજપ ધારાસભ્યની પુત્રીએ મહિલા SIને ઝીંકી દીધી થપ્પડ, FIR દાખલ!
DySPની પત્ની અને ધારાસભ્યની પુત્રી હોવાનો રોફ પણ ન કામ આવ્યો: મહિલા પીએસઆઈ સવિતાએ કાયદાકીય લડાઈ લડી દાખલ કરાવી પોલીસ ફરિયાદ

મૈસૂર: તા.14: મંડ્યા જિલ્લાના શ્રીરંગપટના તાલુકામાં આવેલ પ્રખ્યાત ઉક્કડા મારમ્મા મંદિરમાં શ્રાવણ માસની 'ભીમન અમાવસ્યા' ના પવિત્ર દિવસે એક શરમજનક અને સનસનાટીભર્યા અહંકારનો કિસ્સો સામે આવ્યો છે. તુમકુરુ ગ્રામીણ ક્ષેત્રના ભાજપ ધારાસભ્ય બી. સુરેશ ગૌડાની પુત્રી અને DySP ની પત્ની ઐશ્વર્યાએ વીઆઈપી લાઈનમાં ઊભા રહેવા છતાં ગર્ભગૃહમાં પ્રવેશવાની ઉતાવળમાં ફરજ પર તૈનાત મહિલા સબ-ઇન્સ્પેક્ટર (SI) સવિતાને જાહેરમાં થપ્પડ મારી દીધી હતી.
ઘટનાની વિગતો મુજબ, મંદિરમાં ભક્તોની ભારે ભીડ હોવાથી સુરક્ષા અર્થે મહિલા પીએસઆઈ સવિતા વીઆઈપી લેનની જવાબદારી સંભાળી રહ્યા હતા. ઐશ્વર્યા પોતાના બે બાળકો સાથે ગર્ભગૃહની અંદર જવાની જિદ્દ કરી રહી હતી. પીએસઆઈ સવિતાએ વિનમ્રતાથી સ્પષ્ટ ના પાડી કે અંદર ભારે ભીડ છે અને કોઈને પણ ગર્ભગૃહમાં જવા દેવાની મંજૂરી નથી. આ સાંભળી ઐશ્વર્યાએ પોતાના પિતા ધારાસભ્ય હોવાનો અને પતિ DySP હોવાનો રોફ બતાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાયદાનું પાલન કરાવતા મહિલા અધિકારીએ લાઈનમાં ઊભેલા સામાન્ય નાગરિકોનો અધિકાર જાળવી રાખ્યો હતો.
આ દરમિયાન, સાદા ડ્રેસમાં ફરજ બજાવી રહેલા સર્કલ ઈન્સ્પેક્ટર લક્ષ્મી નિરીક્ષણ માટે ગર્ભગૃહમાં જતાં જ ઐશ્વર્યાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. તેણીએ ઝઘડો શરૂ કર્યો અને ઉગ્ર દલીલો વચ્ચે પીએસઆઈ સવિતાને ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધી હતી. આ અપમાનજનક ઘટના છતાં મહિલા અધિકારીએ મન મક્કમ રાખીને પોતાની સુરક્ષા ફરજ પૂર્ણ કરી હતી અને સાંજે ક્યાથનહલ્લી પોલીસ સ્ટેશન પહોંચીને ધારાસભ્યની પુત્રી સામે એફઆઈઆર (FIR) નોંધાવી દીધી હતી.
બીજી તરફ, આ વિવાદ વધતાં ભાજપના ધારાસભ્ય સુરેશ ગૌડાએ પોતાની પુત્રીનો બચાવ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. તેમણે નિવેદન આપતાં કહ્યું કે, "હું મારી પુત્રીના કૃત્યને યોગ્ય નથી ઠેરવતો. તેણીએ સંયમ રાખવો જોઈતો હતો. કાયદો સૌની માટે સરખો છે અને હું તપાસમાં કોઈ પણ પ્રકારની દખલગીરી નહીં કરું." ખાખી વરધીનું અપમાન કરનાર વિઆઈપી પુત્રી સામે એફઆઈઆર નોંધાતા સમગ્ર વિસ્તારમાં મહિલા અધિકારીની હિંમતની પ્રશંસા થઈ રહી છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
