<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

૧૫મી ઓગસ્ટ પહેલા દિલ્હીને ધણધણાવવાની ધમકી

દિલ્હી હાઈકોર્ટ-IGI એરપોર્ટ સહિત છ સ્થળોને બોંબથી ફુંકી મારવાની ધમકી મળતા ખળભળાટ : સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પરઃ સુરક્ષા વ્યવસ્થામાં વધારોઃ ધમકીની તપાસ શરૃ

નવી દિલ્હી, તા.૧૪: ૧૫મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે દેશની રાજધાની દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ભારે ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. દિલ્હી હાઈકોર્ટ, આઈજીઆઈ એરપોર્ટનું ટર્મિનલ-૩ અને ઝાંડેવાલન ફ્લેટેડ બિલ્ડિંગ સહિત દેશની છ અતિસંવેદનશીલ અને વ્યૂહાત્મક જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકીઓ મળતાં જ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. ઈમેલ દ્વારા મળેલી આ ધમકીઓને પગલે દિલ્હી પોલીસ, બૉમ્બ સ્કવોડ, ફાયર બ્રિગેડ અને ડોગ સ્કવોડની વિશેષ ટીમો તાત્કાલિક ધોરણે તમામ સ્થળોએ પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને ઘેરીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આ ધમકીનો વ્યાપ માત્ર એરપોર્ટ કે હાઈકોર્ટ સુધી સીમિત ન રહેતાં, જામનગર હાઉસ, સાકેત સ્થિત જિલ્લા મેજિસ્ટ્રેટ ઓફિસ અને દિલ્હી કેન્ટ સ્થિત SDM ઓફિસ સુધી પહોંચ્યો હતો. ધમકીભર્યા સંદેશાઓ મળતાં જ દિલ્હી હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે દિલ્હી પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની વાટાઘાટો શરૃ કરી હતી. કોર્ટ પરિસર અને એરપોર્ટ ટર્મિનલ પર હાજર મુસાફરો અને નાગરિકોમાં ક્ષણભર માટે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, સુરક્ષા દળોએ અત્યંત ત્વરા દાખવીને સમગ્ર પરિસરોને ખૂણે-ખૂણેથી તપાસી લીધા છે અને સદભાગ્યે અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યા નથી.

લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંબોધન અને સ્વતંત્રતા દિવસના ભવ્ય સમારોહને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં અગાઉથી જ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. આવા સંવેદનશીલ સમયે છ મહત્વના સ્થળોને એકસાથે લક્ષ્ય બનાવીને મોકલવામાં આવેલા આ ધમકીભર્યા ઈમેલ પાછળ કોઈ મોટું કાવતરું છે કે માત્ર અફવા અને પૅનિક ફેલાવવાનો પ્રયાસ, તે દિશામાં સાયબર સેલ અને ઈન્ટેલિજન્સ એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે. રાજધાનીના તમામ પ્રવેશ અને નિકાસ માર્ગો તેમજ જાહેર ભીડભાડવાળી જગ્યાઓ પર કડક ચેકિંગ સાથે સુરક્ષા કવચ વધુ મજબૂત કરી દેવામાં આવ્યું છે.

 

(3:40 PM IST)