<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

શુક્રવારે શેરબજારમાં ઓલ-રાઉન્ડ વેચવાલીનું દબાણ: સેન્સેક્સ 78,009.25 ની સપાટીએ બંધ અને નિફ્ટીમાં પણ નોંધપાત્ર ઘટાડો, 24,360 ની આસપાસ સીમિત રહ્યો, રોકાણકારો ચિંતાતુર!

ગિફ્ટ નિફ્ટીના નબળા સંકેતો બાદ સુસ્ત શરૂઆત: ભારતી એરટેલ અને અદાણી પોર્ટ્સે બજારને ટેકો આપ્યો, જ્યારે એશિયન પેઇન્ટ્સ અને ઇન્ડિગો ધરાશાયી

મુંબઈ: તા.14: ભારતીય શેરબજારમાં શુક્રવારનો કારોબારી દિવસ રોકાણકારો માટે ભારે ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો હતો. સપ્તાહના છેલ્લા દિવસે ચો તરફી વેચવાલીના માહોલ વચ્ચે દેશના બંને મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સંવેદનશીલ ઈન્ડેક્સ સેન્સેક્સ 0.09 ટકા અથવા 70.71 પોઈન્ટના ઘટાડા સાથે 78,009.25 ની સપાટીએ બંધ રહ્યો હતો. આ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 0.12 ટકા અથવા 29.85 પોઈન્ટ તૂટીને 24,360 ની આસપાસ સીમિત રહ્યો હતો.

 

કારોબારની શરૂઆતથી જ બજારમાં સુસ્તીનો માહોલ જોવા મળ્યો હતો. સવારે ગિફ્ટ નિફ્ટી તરફથી મળી રહેલા નબળા વૈશ્વિક સંકેતોને પગલે સેન્સેક્સ 176 પોઈન્ટના ઘટાડા સાથે 77,903 પર ખુલ્લ્યો હતો. બજાર ખુલ્યાની થોડી જ મિનિટોમાં આ તારાજી વધુ ઘેરી બની હતી અને સેન્સેક્સ એક સમયે 310 પોઈન્ટથી વધુ ઘટીને 77,769 ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. જોકે, નીચલા સ્તરેથી મળેલી થોડીક લેવાલીને કારણે ઇન્ડેક્સે રિકવરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અંતે તે લાલ નિશાનમાં જ બંધ થયો હતો.

 

સેન્સેક્સના 30 મુખ્ય શેરોમાંથી માત્ર સાત કંપનીઓના શેરમાં જ તેજી જોવા મળી હતી. બ્લુચિપ શેરો જેવા કે ભારતી એરટેલ, અદાણી પોર્ટ્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ટાઈટન અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા વધારા સાથે લીલા નિશાનમાં ટ્રેડ થઈને બજારને ટેકો આપી રહ્યા હતા. બીજી તરફ, એશિયન પેઇન્ટ્સ, ઇન્ડિગો, એનટીપીસી, એક્સિસ બેંક, સન ફાર્મા, ટાટા સ્ટીલ અને ટ્રેન્ટ લિમિટેડ જેવા અગ્રણી શેરોમાં ભારે વેચવાલી નોંધાતા તે મોટા નુકસાન સાથે બંધ થયા હતા.

 

બજારના ટેકનિકલ વિશ્લેષકોના મતે, નિફ્ટી માટે હાલ 24,200 થી 24,300 નો ઝોન મજબૂત સપોર્ટ તરીકે કામ કરી રહ્યો છે, જ્યારે 24,500 પર તાત્કાલિક અવરોધ (Resistance) જોવા મળી રહ્યો છે. તે જ સમયે, સેન્સેક્સ જો 77,400–77,600 ની રેન્જ જાળવી રાખવામાં સફળ રહેશે તો આગામી સત્રોમાં ફરીથી ખરીદીનું વલણ જોવા મળી શકે છે. બેંકિંગ ક્ષેત્ર પણ બેંક નિફ્ટી પર દબાણ બનાવી રહ્યું હોવાથી નિષ્ણાતોએ રોકાણકારોને નીચલા સ્તરે સાવચેતીપૂર્વક 'બાય ઓન ડિપ્સ' ની વ્યૂહરચના અપનાવવાની સલાહ આપી છે.

(4:03 PM IST)