<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

દિલ્હી યુનિવર્સિટીનો મોટો વિવાદિત નિર્ણય: PG ઇતિહાસના અભ્યાસક્રમમાંથી 'દિલ્હી સલ્તનત'નો પાઠ સંપૂર્ણપણે ગાયબ, એકેડેમિક કાઉન્સિલમાં ભારે વિરોધ!

NEP 2020 હેઠળ MA ઇતિહાસના સિલેબસમાં મોટો ફેરફાર: મધ્યયુગીન ભારત, પ્રાચીન ઇતિહાસ અને મહિલા સશક્તિકરણ સંબંધિત અનેક મહત્વપૂર્ણ પેપર્સ પણ હટાવાયા

નવી દિલ્હી: તા.14: દિલ્હી યુનિવર્સિટી (DU) એ પોતાના અનુસ્નાતક (PG) ઇતિહાસના અભ્યાસક્રમમાં કરેલા એક મોટા ફેરફારને કારણે શૈક્ષણિક જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. નવી શિક્ષણ નીતિ (NEP 2020) હેઠળ લાગુ કરવામાં આવેલા નવા સિલેબસમાંથી દિલ્હી સલ્તનતના વિગતવાર ઇતિહાસ સહિત મધ્યયુગીન ભારત અને પ્રાચીન સમયના અનેક મહત્વપૂર્ણ વિષયોને સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવ્યા છે. યુનિવર્સિટીના આ નિર્ણય સામે એકેડેમિક કાઉન્સિલના કેટલાક સભ્યો અને પ્રોફેસરોએ સખત વિરોધ નોંધાવ્યો છે.

 

અત્યાર સુધી MA ઇતિહાસના ત્રીજા સેમેસ્ટરમાં "ધ દિલ્હી સલ્તનત: સ્ટ્રક્ચર્સ ઓફ ઓથોરિટી ઈન મેડિવલ નોર્થ ઈન્ડિયા (13મી-14મી સદી)" નામનો મુખ્ય પેપર ભણાવવામાં આવતો હતો. આ પેપર દ્વારા વિદ્યાર્થીઓને 1206 થી 1526 દરમિયાનના ગુલામ વંશ, ખિલજી, તુઘલક, સૈયદ અને લોદી રાજવંશોના રાજકીય માળખા, સંસ્કૃતિ અને ઉત્તર ભારતમાં સત્તાના ઉપયોગની ઊંડી સમજ મળતી હતી. જોકે, નવા ફેરફાર બાદ હવે આ પેપર જ હટાવી દેવામાં આવ્યું છે.

 

આ વિવાદ અંગે વાત કરતા એકેડેમિક કાઉન્સિલના સભ્ય પ્રોફેસર માયા જોને આક્ષેપ કર્યો છે કે આ નિર્ણય ઇતિહાસ વિભાગની સ્વાયત્તતા પર સીધો પ્રહાર છે. તેમણે દાવો કર્યો હતો કે PG સ્તરે વિષયનું વિગતવાર અને ઊંડાણપૂર્વક વિશ્લેષણ જરૂરી હોય છે, જે અંડરગ્રેજ્યુએટ (UG) ના પ્રાથમિક અભ્યાસક્રમમાં શક્ય નથી. આ ફેરફારો પાછળ શૈક્ષણિક કરતાં રાજકીય કારણો વધુ જવાબદાર હોવાનો ગંભીર આરોપ પણ તેમણે લગાવ્યો છે.

 

નોંધનીય છે કે માત્ર દિલ્હી સલ્તનત જ નહીં, પરંતુ પ્રાચીન ભારતમાં જાતિ અને મહિલાઓની સ્થિતિ (1500 BC થી 1000 CE), ઉત્તર ભારતનો ઇતિહાસ (1400-1550 CE), અને પ્રાચીન ભારતીય સાહિત્યમાં ધર્મ અને સમાજ જેવા અનેક સંવેદનશીલ અને મહત્વના વિષયોના પેપર્સ પણ સિલેબસમાંથી ગાયબ કરી દેવાયા છે, જેને લઈને શિક્ષણ ક્ષેત્રે મોટો તણાવ ઊભો થયો છે.

(4:24 PM IST)