<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

ભુવનેશ્વર એરપોર્ટ પર મહિલા યાત્રીનો હાઈવોલ્ટેજ હંગામો: ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થતાં ગુસ્સામાં આવી રૂ. 49,000ના કમ્પ્યુટર-સાધનો તોડી નાખ્યા!

ઈમરજન્સી હેલ્પડેસ્ક પર મહિલાએ મચાવ્યો ભારે ઉત્પાત: સીઆઈએસએફ (CISF)ના જવાનોએ કરી અટકાયત, તોડફોડનો વીડિયો વાયરલ

ભુવનેશ્વર: તા.14: ઓડિશાના ભુવનેશ્વર સ્થિત બીજુ પટનાયક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક મહિલા પેસેન્જરે ભારે હોબાળો મચાવીને ભારે અફરાતફરી સર્જી દીધી હતી. ઇન્ડિગો (IndiGo) એરલાઇન્સની ફ્લાઇટ રદ થવાને કારણે ઉશ્કેરાયેલી મહિલાએ એરપોર્ટના કાઉન્ટર પર જઈને કમ્પ્યુટર સેટ અને અન્ય ઈલેક્ટ્રોનિક સાધનોની તોડફોડ કરી હતી. આ હિંસક વિરોધમાં એરલાઇન કંપનીના અંદાજે રૂ. 49,000 ની કિંમતના સાધનોને ભારે નુકસાન પહોંચ્યું છે.

 

મળતી માહિતી મુજબ, મહિલા પોતાની ફ્લાઇટ કેન્સલ થવાની જાણકારી મળતા જ ભારે આક્રોશમાં આવી ગઈ હતી. તેણે ઈમરજન્સી હેલ્પડેસ્ક અને ચેક-ઈન કાઉન્ટર પર તૈનાત એરલાઇન્સના સ્ટાફ સાથે ઉગ્ર દલીલો શરૂ કરી દીધી હતી. દલીલો વધતા જ મહિલાએ પોતાનો આપો ગુમાવ્યો હતો અને કાઉન્ટર પર રાખેલા કમ્પ્યુટર મોનિટર, કીબોર્ડ અને પ્રિન્ટર જેવાં સાધનોને જમીન પર ફેંકીને કુરુક્ષેત્ર જેવો માહોલ સર્જ્યો હતો.

 

આ ઘટનાથી એરપોર્ટ પર હાજર અન્ય મુસાફરોમાં પણ અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. પરિસ્થિતિ વણસતી જોઈને એરપોર્ટની સુરક્ષામાં તૈનાત સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મહિલા મુસાફરને કાબૂમાં લીધી હતી. આ હાઈવોલ્ટેજ ડ્રામાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

 

ત્યારબાદ, સિક્યુરિટી સ્ટાફે મહિલાને સ્થાનિક એરપોર્ટ પોલીસ સ્ટેશનને સોંપી દીધી હતી. એરલાઇન્સ કંપની તરફથી સરકારી માલમત્તા અને ખાનગી સાધનોને નુકસાન પહોંચાડવા તેમજ ફરજ પરના કર્મચારીઓ સાથે અભદ્ર વર્તન કરવા બદલ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી છે.

(4:38 PM IST)