<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

પીએમ મોદીની ડિપ્લોમસી પર ટિપ્પણી કરતાં બરાબર ઘેરાયા રાહુલ ગાંધી: ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ ઇન્દિરા ગાંધી અને ફિડેલ કાસ્ટ્રોનો ભેટી પડતો ફોટો શેર કરી કર્યો મોટો પલટવાર!

'હગ ડિપ્લોમસી' અંગેની વિવાદિત ટિપ્પણી પર ભાજપ આક્રમક: જેપી નડ્ડા અને પ્રહલાદ જોશીએ પણ રાહુલ ગાંધીની અપરિપક્વતા સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

નવી દિલ્હી: તા.14: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ અને વિદેશી નેતાઓને ભેટી પડવાની શૈલી પર કટોક્ષ કરનારા લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પોતે જ રાજકીય ઘમાસાણમાં ઘેરાઈ ગયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય સંમેલન દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા સંદીપ દીક્ષિતને ગળે લગાવીને 'હગ ડિપ્લોમસી' પર વિવાદિત નિવેદન આપ્યું હતું. આ નિવેદનના જવાબમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધીના દાદી અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી તથા ક્યુબાના નેતા ફિડેલ કાસ્ટ્રોનો ભેટી પડતો ઐતિહાસિક ફોટો શેર કરીને વળતો પ્રહાર કર્યો છે.

 

નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઇન્દિરા ગાંધીના ફોટા સાથે રાહુલ ગાંધી દ્વારા લોકસભામાં અચાનક પીએમ મોદીને ભેટવાનો જૂનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો. દુબેએ તીખો સવાલ પૂછતાં લખ્યું હતું કે, "શું રાહુલ ગાંધી પોતાની દાદીના આ આલિંગનને પણ ખોટી કે અયોગ્ય લાગણી ગણાવશે?" ભાજપે આક્ષેપ કર્યો છે કે વિદેશી નેતાઓ અને વડાપ્રધાન વચ્ચેના સંબંધો પર આવી ટિપ્પણીઓ કરીને વિપક્ષી નેતા દેશની આંતરરાષ્ટ્રીય ગરિમાને નુકસાન પહોંચાડી રહ્યા છે.

 

રાહુલ ગાંધીના આ નિવેદન પર ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓએ પણ આકરા પ્રહારો કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું કે દેશ માટે આવા અપરિપક્વ વિપક્ષી નેતા હોવા અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. જ્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વીટ કરીને પૂછ્યું હતું કે, "રાહુલ ગાંધી, તમે ક્યારે પરિપક્વ થશો? દેશ ચલાવવા માટે ગંભીર નેતૃત્વની જરૂર હોય છે. દેશના લોકશાહી રીતે ચૂંટાયેલા વડાપ્રધાનનું અપમાન કરીને તમે ભારતની જનતાનું અપમાન કરી રહ્યા છો."

 

બીજી તરફ, ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજે પણ રાહુલ ગાંધીની ભાષાને બંધારણીય પદની મર્યાદા વિરુદ્ધ ગણાવીને આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીની ટિપ્પણી અને સામે ભાજપના આક્રમક પલટવાર બાદ દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને સોશિયલ મીડિયા પર પણ આ આલિંગન વિવાદ અંગે જોરદાર ચર્ચા ચાલી રહી છે.

(4:39 PM IST)