News of Friday, 14th August 2026
CBSE નો ડિજિટલ એજ્યુકેશન તરફ મોટો ધમાકો: શિક્ષકો માટે 'નિષ્ઠા' કોર્સ લોન્ચ, તો દીક્ષા પોર્ટલ પર 845થી વધુ વર્ચ્યુઅલ લેબ્સ ઉપલબ્ધ!
NCERT પાઠ્યપુસ્તકના QR કોડ અને 'Ask DIKSHA' AI સુવિધાથી વિદ્યાર્થીઓ ડિજિટલી કરી શકશે પ્રયોગો: 31 ઓગસ્ટ સુધી કરી શકાશે રજિસ્ટ્રેશન

નવી દિલ્હી: તા.14: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ શૈક્ષણિક સત્ર 2026-27 માટે શિક્ષણ ક્ષેત્રે મોટો ડિજિટલ બદલાવ લાવતાં શિક્ષકો અને પ્રિન્સિપાલો માટે 'NISHTHA' (નિષ્ઠા) તાલીમ અભ્યાસક્રમોની જાહેરાત કરી છે. આ સાથે બોર્ડે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 'DIKSHA' પ્લેટફોર્મ પર 845 થી વધુ વિષય-આધારિત વર્ચ્યુઅલ લેબ્સ અને ડિજિટલ લર્નિંગ રિસોર્સિસ ઉપલબ્ધ કરાવ્યા છે, જેનો મુખ્ય હેતુ ડિજિટલ શિક્ષણને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો છે.
નિષ્ઠા અભ્યાસક્રમ હેઠળ ચક્ર-1 માં બે મુખ્ય કેટેગરીઓ રાખવામાં આવી છે. કેટેગરી-II હેઠળ ધોરણ 5 સુધીના પાયાના શિક્ષણ આપતા શિક્ષકો માટે NISHTHA FLN અને ECCE જેવા કોર્સ શામેલ છે, જ્યારે કેટેગરી-III હેઠળ તમામ શિક્ષકો માટે સાયબર સિક્યુરિટી, ઈ-વેસ્ટ મેનેજમેન્ટ અને 'કેચ ધ રેઈન' જેવા આધુનિક વિષયો પર અદ્યતન તાલીમ આપવામાં આવશે. આ તાલીમ માટે નોંધણી કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ, 2026 છે અને કોર્સ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર, 2026 નક્કી કરવામાં આવી છે.
બીજી તરફ, દીક્ષા (DIKSHA) પ્લેટફોર્મ પર શરૂ કરવામાં આવેલી વર્ચ્યુઅલ લેબ્સ મુખ્યત્વે ગણિત અને વિજ્ઞાન જેવા જટિલ વિષયો માટે તૈયાર કરાઈ છે. હવે વિદ્યાર્થીઓ ભૌતિક લેબોરેટરીમાં ગયા વગર પણ ડિજિટલ રીતે વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો અને ખ્યાલોને સરળતાથી સમજી શકશે. NCERT પાઠ્યપુસ્તકોમાં આપેલા QR કોડ સ્કેન કરીને અથવા AI આધારિત 'Ask DIKSHA' સુવિધા દ્વારા પણ આ સંસાધનોનો ઉપયોગ કરી શકાશે.
CBSE ના આ ડ્યુઅલ ડિજિટલ મોડલથી શિક્ષકોને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ અને ટેકનોલોજી અપનાવવાની ઉત્તમ તક મળશે, જ્યારે વિદ્યાર્થીઓ પણ પોતાની અનુકૂળતા મુજબ ગમે ત્યારે અને ગમે ત્યાંથી ડિજિટલ પ્રયોગો કરીને અભ્યાસને વધુ રોચક બનાવી શકશે.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
