નાણા મંત્રાલયનો સરકારી સંસ્થાઓને મહત્વપૂર્ણ આદેશ: GeM પોર્ટલ પર કન્સલ્ટન્સી ટેન્ડરોમાં ઊંચા ટર્નઓવર અને સ્ટાફની કડક શરતો દૂર કરવા આપી કડક સૂચના!
અપ્રમાણસરની શરતોને લીધે નાની ફર્મો માટે સ્પર્ધાના દરવાજા બંધ થતા ફિનમિન લાલઘૂમ: ખર્ચ વિભાગે તમામ મંત્રાલયોને માર્ગદર્શિકાનું પાલન કરવા મોકલ્યો પત્ર

નવી દિલ્હી: કેન્દ્રીય નાણા મંત્રાલયે ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ દ્વારા કન્સલ્ટન્સી સેવાઓ મેળવતી તમામ સરકારી સંસ્થાઓ અને મંત્રાલયોને અતિશય ઉચ્ચ ટર્નઓવર તથા પગારપત્રક (પેરોલ) પર વધુ પડતા સ્ટાફની કડક શરતો ન લાદવા માટે મજબૂત સલાહ આપી છે. નાણા મંત્રાલયનું માનવું છે કે આવી બિનજરૂરી અને અપ્રમાણસર શરતો મૂકવાથી ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શક સ્પર્ધાને મોટો ફટકો પડે છે અને યોગ્ય ફર્મો બાદ ફેંકાઈ જાય છે.
નાણા મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગ દ્વારા જારી કરાયેલા એક ઓફિસ મેમોરેન્ડમમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખરીદ એજન્સીઓએ ટેન્ડરમાં લઘુત્તમ સ્ટાફની સંખ્યા માત્ર એટલી જ નક્કી કરવી જોઈએ જેટલી પ્રોજેક્ટના સંતોષકારક અમલીકરણ માટે ખરેખર જરૂરી હોય. પૂરતા વાજબી કારણ વગર વધારે પડતી કડક પાત્રતા શરતો રાખવાથી નવી અને નાની કન્સલ્ટિંગ ફર્મો સ્પર્ધામાંથી બહાર થઈ જાય છે, જે નીતિનિયમોની વિરુદ્ધ છે.
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં GeM પોર્ટલ પર મૂકાયેલા કન્સલ્ટન્સી ટેન્ડરોના નમૂના અભ્યાસ (સેમ્પલ સ્ટડી) દરમિયાન આ ગંભીર બાબત સામે આવી હતી. અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ઘણી સરકારી સંસ્થાઓ મુખ્ય કર્મચારીઓની યોગ્યતા અને અનુભવને બદલે કન્સલ્ટિંગ કંપનીના વાર્ષિક ટર્નઓવર પર વધુ ભાર મૂકતી હતી, તેમજ પ્રોજેક્ટની વાસ્તવિક જરૂરિયાત કરતાં ઘણી વધુ સ્ટાફ ક્ષમતાની માગ કરતી હતી.
આ તારણોને ધ્યાનમાં રાખીને ખર્ચ વિભાગના પ્રાપ્તિ નીતિ વિભાગે તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના સચિવોને 'કન્સલ્ટન્સી સર્વિસીસની ખરીદી માટેની માર્ગદર્શિકા 2025' ની જોગવાઈઓનું અક્ષરશઃ પાલન કરવા કડક આદેશ આપ્યો છે, જેથી GeM પોર્ટલ પર કન્સલ્ટન્સી ટેન્ડરોમાં યોગ્ય અને સમાન સ્પર્ધાત્મક વાતાવરણ પૂરું પાડી શકાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
