News of Friday, 14th August 2026
સ્વતંત્રતા દિવસે જ પાકિસ્તાનમાં આતંકીઓનો લોહિયાળ ખેલ: ત્રણ જુદા જુદા હુમલાઓમાં 4 પોલીસકર્મીઓની ગોળી મારીને હત્યા!
80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે ખૈબર પખ્તુનખ્વા અને લાહોરમાં અંધાધૂંધ ફાઇરિંગ: TTP આતંકી સંગઠને લીધી હુમલાની જવાબદારી

લાહોર : પાકિસ્તાન આજે પોતાનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે જ દેશમાં આતંકવાદીઓએ શ્રેણીબદ્ધ હુમલા કરીને સમગ્ર સુરક્ષા વ્યવસ્થાને હચમચાવી દીધી છે. શુક્રવારે ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંત અને પંજાબ પ્રાંતના લાહોરમાં થયેલા ત્રણ અલગ-અલગ આતંકી હુમલામાં ચાર પોલીસકર્મીઓ શહીદ થયા છે, જ્યારે એક રાહદારી સહિત અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પ્રથમ ઘટના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજૌર જિલ્લામાં બની હતી, જ્યાં આતંકવાદીઓએ બારંગ પોલીસ સ્ટેશન હેઠળની કોહી સર પોલીસ ચોકીને નિશાન બનાવી હતી. આ હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને હુમલાખોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ, પંજાબ પ્રાંતના લાહોરમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના આતંકીઓએ બે જગ્યાએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. બદામી બાગ વિસ્તારમાં સશસ્ત્ર આતંકીઓએ બે પોલીસકર્મીઓ પર ફાયરિંગ કર્યું હતું, જેમાં બંનેના સારવાર દરમિયાન મોત થયા હતા. પ્રાથમિક તપાસ મુજબ, 2024માં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા TTP આતંકીના ભાઈ રેહાન બટ્ટે બદલો લેવાના ઈરાદાથી આ હુમલો કર્યો હોવાની શંકા છે.
બદામી બાગની ઘટનાના એક જ કલાક બાદ લાહોરના મુલતાન રોડ પર TLP મુખ્યાલય બહાર તૈનાત પોલીસ ટુકડી પર પણ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં એક કોન્સ્ટેબલનું મોત થયું હતું અને અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી TTP સાથે જોડાયેલા જૂથ જમાત-ઉલ-અહરારએ લીધી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે સમગ્ર પ્રાંતમાં હાઈ એલર્ટ જાહેર કરીને મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવાનો આદેશ આપ્યો છે.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
