<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

બ્રહ્માંડની રચનાનું 50 વર્ષ જૂનું સસ્પેન્સ ઉકેલાયું: પ્રકાશની ગતિએ કણોની ટક્કર થતાં વિજ્ઞાનીઓને મળ્યો બ્રહ્માંડને બાંધી રાખતો અદ્રશ્ય પદાર્થ!

પ્રોટોનની અંદર દ્રવ્યને ક્વાર્ક નહીં પરંતુ ગ્લુઓનનું 'બેરિઓન જંકશન' બાંધી રાખે છે: 'સાયન્સ' જર્નલમાં પ્રકાશિત શોધથી કણોના ભૌતિકશાસ્ત્રમાં મોટો વિસ્ફોટ

નવી દિલ્હી : સમગ્ર બ્રહ્માંડ કેવી રીતે બન્યું અને દ્રવ્ય (માસ) શા માટે સ્થિર રહે છે, તે અંગે વિજ્ઞાનીઓ છેલ્લા અડધા સદીથી જે રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેનો આખરે પર્દાફાશ થયો છે. યુએસના 'STAR કોલાબોરેશન'ના વિજ્ઞાનીઓએ પ્રકાશની ગતિએ કણોને અથડાવીને એક મોટો પ્રયોગ કર્યો છે, જેના આધારે સાબિત થયું છે કે પ્રોટોનની અંદર દ્રવ્યને એકસાથે બાંધી રાખવાનું કામ ક્વાર્ક નહીં, પરંતુ ગ્લુઓન દ્વારા નિર્મિત એક અદ્રશ્ય 'બેરિઓન જંકશન' કરે છે.

 

અત્યાર સુધી વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાં ભણાવવામાં આવતું હતું કે પ્રોટોનમાં રહેલા ત્રણ વેલેન્સ ક્વાર્ક જ દ્રવ્યને સ્થિર રાખે છે. પરંતુ 'રિલેટિવિસ્ટિક હેવી આયન કોલાઈડર' નામના વિશાળ મશીનમાં સોના, રૂથેનિયમ અને ઝિર્કોનિયમ જેવા પરમાણુઓને પ્રકાશની ગતિએ અથડાવવામાં આવ્યા ત્યારે ચોંકાવનારા પરિણામો સામે આવ્યા. ટક્કર બાદ જોવા મળ્યું કે ક્વાર્કમાં રહેલો ઈલેક્ટ્રિક ચાર્જ પાછળ રહી ગયો હતો, જ્યારે બેરિઓન કોઈ પણ અવરોધ વગર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા હતા.

 

આ પ્રયોગ પરથી સાબિત થયું કે બેરિઓન નંબર કોઈપણ ક્વાર્કમાં નહીં, પરંતુ Y-આકારના બેરિઓન જંકશનમાં રહેલો છે, જે માસલેસ ગ્લુઓન (એક પ્રકારનો કણીય ગુંદર) થી બનેલો છે. આ સિદ્ધાંત સૌપ્રથમ 1970ના દાયકામાં રજૂ કરાયો હતો, પરંતુ તેને સાબિત કરવા માટે અત્યાર સુધી પૂરતી ટેકનોલોજી ઉપલબ્ધ નહોતી. હવે 50 વર્ષ બાદ આ શોધે ભૌતિકશાસ્ત્રના જૂના મોડેલોને સંપૂર્ણપણે બદલી નાખ્યા છે.

 

બિગ બેંગ સમયના સૌથી મોટા કોસ્મિક રહસ્ય એટલે કે મહાવિસ્ફોટ સમયે દ્રવ્ય અને પ્રતિદ્રવ્ય (મેટર અને એન્ટી-મેટર) સમાન માત્રામાં બન્યા હોવા છતાં પ્રતિદ્રવ્ય ક્યાં ગાયબ થઈ ગયું, તે પ્રશ્નનો જવાબ શોધવામાં પણ આ નવી શોધ માઇલસ્ટોન સાબિત થશે. વિજ્ઞાનીઓ હવે બ્રુકહેવન લેબોરેટરીમાં વધુ શક્તિશાળી 'ઇલેક્ટ્રોન-આયન કોલાઇડર' વિકસાવી રહ્યા છે જેથી બ્રહ્માંડના ઉદ્ભવ અંગે વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકાય.

 

(5:48 PM IST)