<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

ઉજ્જૈનમાં આવેલું એક અનોખું શહીદ મંદિર: જ્યાં ભગવાનની સાથે દેશના અમર જવાનોની થાય છે પૂજા, દરેક આરતીમાં ગુંજે છે દેશભક્તિના સૂર!

પવિત્ર શિપ્રા નદીના કિનારે 21 પરમવીર ચક્ર વિજેતાઓ સહિત વીરોની 41 પ્રતિમાઓ સ્થાપિત: નિવૃત્તિની બચતમાંથી નિર્માણ પામેલું આ ધામ પ્રવાસીઓ માટે બન્યું આસ્થા અને દેશપ્રેમનું કેન્દ્ર

ઉજ્જૈન: તા.14: વિશ્વપ્રસિદ્ધ બાબા મહાકાલની નગરી ઉજ્જૈન માત્ર તેની પ્રાચીન ધાર્મિક માન્યતાઓ અને મંદિરો માટે જ નહીં, પરંતુ દેશની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનારા વીર શહીદોના સન્માન માટે પણ જાણીતી છે. પવિત્ર શિપ્રા નદીના કિનારે એક એવું અનોખું મંદિર આવેલું છે જ્યાં ભગવાનની સાથે દેશના અમર શહીદોની પણ નિત્ય પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ મંદિરમાં દરરોજ સવાર-સાંજ થતી આરતી અને પૂજા દરમિયાન જ્યારે શહીદોના નામના જયઘોષ થાય છે, ત્યારે સમગ્ર વાતાવરણ દેશભક્તિની ભાવનાથી ગુંજી ઉઠે છે.

 

આ અનોખા મંદિરનું નિર્માણ વર્ષ 2008માં દાન સિંહ ચૌધરી નામના દેશપ્રેમીએ પોતાની જિંદગીભરની બચત અને નિવૃત્તિના ભંડોળનો ઉપયોગ કરીને કરાવ્યું હતું. પોતાના ગુરુથી પ્રેરણા લઈને તેમણે સંકલ્પ કર્યો હતો કે માતૃભૂમિના વીર પુત્રો માત્ર ઇતિહાસના પાનાઓ કે યાદો સુધી સીમિત ન રહેવા જોઈએ, પરંતુ તેમની દૈનિક પૂજા થવી જોઈએ. વર્ષ 2016માં દાન સિંહના અવસાન બાદ હાલમાં જામોદ પરિવાર દ્વારા આ મંદિરની તમામ સેવાઓ અને સંચાલન ખૂબ જ શ્રદ્ધાપૂર્વક સંભાળવામાં આવી રહ્યું છે.

 

મંદિર સંકુલમાં પ્રવેશતાં જ દેશના ગૌરવશાળી સૈન્ય ઇતિહાસની ભવ્ય ઝલક જોવા મળે છે. અહીં આઝાદી પછીના દેશના પ્રથમ આર્મી ચીફ જનરલ કે.એમ. કરિયપ્પા, ફિલ્ડ માર્શલ સેમ માણેકશા અને એર માર્શલ અર્જન સિંહ સહિત 21 પરમવીર ચક્ર વિજેતાઓની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. સંકુલમાં વીર જવાનો, નારી શક્તિ, અમર ખેડૂતો અને વિજ્ઞાનીઓની મળીને કુલ 41 પ્રતિમાઓ મૂકવામાં આવી છે. સ્વતંત્રતા દિવસ અને રાષ્ટ્રીય પર્વો પર દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ અહીં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને 'ભારત માતા કી જય'ના નારા લગાવે છે.

(5:53 PM IST)