News of Friday, 14th August 2026
કુમાઉંની અનોખી વિરાસત 'બખલી': નૈનીતાલના કુમટી ગામમાં આવેલું 100 મીટર લાંબુ ભવ્ય ઘર, જ્યાં એક સમયે એકસાથે રહેતા હતા 40 પરિવારો!
પહાડી સંસ્કૃતિ, સામૂહિકતા અને સંયુક્ત પરિવારનું અદ્ભુત ઉદાહરણ: અદભુત સ્થાપત્ય અને ભાઈચારાની પ્રતીક સમાન આ વિરાસત પ્રવાસીઓ માટે બની આકર્ષણનું કેન્દ્ર

નૈનીતાલ: તા.14: ઉત્તરાખંડની પહાડી સંસ્કૃતિ અને પરંપરાગત જીવનશૈલી તેની અનોખી ઓળખ માટે જાણીતી છે. રાજ્યની આ વિરાસતમાં 'બખલી' એટલે કે પરંપરાગત સંયુક્ત પરિવારના પંક્તિબદ્ધ ઘરોનું વિશેષ સ્થાન છે. ઉત્તરાખંડના કુમાઉં પ્રદેશ અંતર્ગત આવતા નૈનીતાલ જિલ્લાના રામગઢ ક્ષેત્રમાં આવેલા કુમટી ગામમાં રાજ્યની સૌથી મોટી બખલી આવેલી છે. આ ઐતિહાસિક ઘર આશરે 100 મીટર લાંબુ છે, જે પહાડોના ઢોળાવ પર દૂરથી જોતાં કોઈ ટ્રેનના ડબ્બાઓની હરોળ જેવું ભવ્ય દેખાય છે.
બખલીનો શાબ્દિક અર્થ પંક્તિબદ્ધ જોડાયેલા ઘરો અથવા સંયુક્ત પરિવારનું ધામ થાય છે. પ્રાચીન સમયમાં પહાડોમાં રહેતા સંયુક્ત પરિવારો એક જ હરોળમાં એકબીજા સાથે જોડાયેલા ઓરડાઓ બનાવતા હતા, જેમના વચ્ચે એક જ લાંબુ આંગણું (ચોક) રહેતું હતું. આ આંગણામાં પરિવારના તમામ સભ્યો ભેગા મળીને તહેવારો ઉજવતા અને સુખ-દુઃખ વહેંચતા હતા. આ પરંપરા પહાડી સમાજમાં સુરક્ષા, સામૂહિકતા અને ભાઈચારાની અદભુત મિસાલ રજૂ કરે છે.
કુમટી ગામની આ 100 મીટર લાંબી બખલીનો ઇતિહાસ અત્યંત સમૃદ્ધ છે. એક સમય હતો જ્યારે આ એક જ મકાનમાં 30 થી 40 પરિવારો પ્રેમથી એકસાથે વસવાટ કરતા હતા. કાળક્રમે રોજગારી અને સ્થળાંતરને કારણે અહીં વસ્તી ઘટી છે અને હાલમાં આશરે 10 થી 15 પરિવારો રહે છે. છતાં પણ આ સ્થળ સંયુક્ત પરિવાર પ્રથા અને ઉત્તરાખંડના પહાડી સ્થાપત્યની ભવ્યતા દર્શાવે છે, જેને જોવા માટે પ્રવાસીઓ અને સંસ્કૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં નૈનીતાલ અને રામગઢ તરફ આકર્ષાય છે.
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
