News of Friday, 14th August 2026
કન્ફર્મ ટિકિટ હોવા છતાં ટ્રેનમાં જગ્યા ન મળતાં ભોગવવી પડી હાલાકી: કેરળના દંપતીએ રેલવેને કોર્ટમાં ઢસડી મેળવ્યું ₹75,000નું વળતર!
ગ્રાહક આયોગે રેલવેની સેવા ખામી બદલ ફટકાર્યો રૂ. 50 હજારનો દંડ અને રૂ. 25 હજારનો મુકદ્દમા ખર્ચ: અનધિકૃત મુસાફરોના દબાણ સામે લડીને મેળવ્યો ન્યાય

તિરુવનંતપુરમ : ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ હોવા છતાં જો ટિકિટ વગરના કે વેઇટિંગવાળા અનધિકૃત મુસાફરો તમારી અનામત સીટ પર કબજો કરી લે અને TTE પણ કોઈ મદદ ન કરે, તો સામાન્ય રીતે મુસાફરો લાચાર બનીને હાલાકી ભોગવી લેતા હોય છે. પરંતુ કેરળના એક જાગરૂક વૃદ્ધ દંપતી અને તેમના પુત્રએ રેલવે તંત્રની આ ઘોર બેદરકારી સામે અવાજ ઉઠાવીને ઉપભોક્તા અદાલતનો દરવાજો ખટખટાવ્યો હતો. ગ્રાહક કમિશને રેલવેની સેવામાં ગંભીર ખામી માનીને પીડિત પરિવારને ₹50,000નું વળતર અને ₹25,000 મુકદ્દમા ખર્ચ પેટે ચૂકવવાનો આદેશ આપ્યો છે.
આ ઘટના ડિસેમ્બર 2023ની છે, જ્યારે પાર્થસારથી, તેમની પત્ની નિર્મલા અને પુત્ર આદિત્યએ કન્યાકુમારી-પુણે એક્સપ્રેસ ટ્રેનમાં તિરુપતિ જવા માટે કન્ફર્મ ટિકિટ બુક કરાવી હતી. વૃદ્ધ દંપતી S2 કોચની લોઅર બર્થ પર મુસાફરી કરી રહ્યું હતું, પરંતુ ટ્રેનમાં ચઢતાં જ તેમની આરામદાયક મુસાફરી યાતનામાં ફેરવાઈ ગઈ હતી. મોટી સંખ્યામાં અનરિઝર્વ્ડ અને ટિકિટ વગરના મુસાફરો કોચમાં ઘૂસી આવ્યા હતા અને દંપતીની સીટ પર કબજો કરી લીધો હતો. વારંવાર વિનંતી કરવા છતાં કોઈ ખસ્યું નહીં, અને ભીડ એટલી વધી ગઈ કે વૃદ્ધો માટે શૌચાલય સુધી પહોંચવું પણ અશક્ય બની ગયું હતું.
પરિવારે રાત્રે જ 'રેલ મદદ' એપ દ્વારા ફરિયાદ નોંધાવી હતી, પરંતુ રેલવે તંત્ર તરફથી કોઈ તાત્કાલિક રાહત મળી નહોતી. ત્યારબાદ પરિવારે કોચમાં અનધિકૃત મુસાફરોના ફોટોગ્રાફ્સ પાડીને પુરાવા એકઠા કર્યા હતા. મામલો જિલ્લા ગ્રાહક આયોગ સુધી પહોંચતાં રેલવેએ બચાવમાં જણાવ્યું હતું કે ચેકિંગ કરીને મુસાફરોને હટાવવામાં આવ્યા હતા. જોકે, કમિશને રેલવેના દાવો નકારી કાઢ્યો હતો અને પરિવારના ફોટોગ્રાફ્સને આધારે રેલવેની નિષ્ક્રિયતા સ્વીકારી 45 દિવસની અંદર ₹75,000 ચૂકવવાનો આદેશ કર્યો છે.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
