News of Friday, 14th August 2026
ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા નીતિ આયોગનો મેગા પ્લાન: ઔદ્યોગિક ક્લસ્ટર અને ઈન્ટીગ્રેટેડ પાર્ક્સ બનાવવાની રજૂ કરી ભલામણ!
2047 સુધીમાં 12 મહત્ત્વના ક્ષેત્રોમાં વૈશ્વિક નેતૃત્વ મેળવવાનું લક્ષ્ય: ઉત્પાદન ખર્ચ ઘટાડી યુવા વર્ગ માટે લાખો નવી રોજગારીની તકો ઊભી કરાશે

નવી દિલ્હી : ભારતને વૈશ્વિક ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર (મેન્યુફેક્ચરિંગ હબ) બનાવવા અને વિશ્વ બજારમાં દેશની પકડ મજબૂત કરવા માટે નીતિ આયોગે એક મહત્ત્વકાંક્ષી બ્લૂપ્રિન્ટ તૈયાર કરી છે. આ પ્રસ્તાવ હેઠળ દેશમાં ક્લસ્ટર-આધારિત ઉત્પાદન અને સંકલિત ઔદ્યોગિક ઉદ્યાનો (ઈન્ટીગ્રેટેડ ઈન્ડસ્ટ્રિયલ પાર્ક્સ) નો વ્યાપક ઉપયોગ કરવાની હાકલ કરવામાં આવી છે. આ મોડેલથી ઉત્પાદકોને વહેંચાયેલી માળખાકીય સુવિધાઓ, ઝડપી સરકારી મંજૂરીઓ અને ઓછી પડતર કિંમતે ઉત્પાદન કરવાની સુવિધા મળશે.
નીતિ આયોગના 'ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે સ્થાન આપવા માટેના મુખ્ય ક્ષેત્રો' શીર્ષક હેઠળના અભ્યાસમાં એવા 12 ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે, જેમાં ભારત વર્ષ 2047 સુધીમાં વૈશ્વિક સ્તરે નેતૃત્વ પ્રાપ્ત કરી શકે છે. આ ક્ષેત્રોમાં ઈલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ સાધનો, સોલાર ફોટોવોલ્ટેઈક્સ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ઓટોમોબાઈલ્સ, સંરક્ષણ-ડ્રોન, સ્ટીલ, કાપડ અને ફૂડ પ્રોસેસિંગનો સમાવેશ થાય છે. દેશમાં સરેરાશ 28 વર્ષની યુવા વય ધરાવતા વિશાળ કાર્યબળ માટે આ ક્ષેત્રમાં ઔપચારિક અને કૌશલ્ય આધારિત વિપુલ રોજગારીનું સર્જન થશે.
અહેવાલમાં આયાત પર નિર્ભરતા ઘટાડવા અને સ્થાનિક મૂલ્ય વર્ધનને પ્રોત્સાહન આપવા માટે ખાસ પ્રોત્સાહનોની ભલામણ કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, કાપડ ઉદ્યોગમાં વર્ષ 2029-30 સુધીમાં $100 બિલિયનના નિકાસ લક્ષ્યને હાંસલ કરવા માટે માનવસર્જિત રેસા (મેન-મેડ ફાઈબર્સ) તરફ વળવા તેમજ કેમિકલ ક્ષેત્રે ફિનોલ અને મિથેનોલ જેવા રસાયણોનું સ્થાનિક ઉત્પાદન વધારવા પર ભાર મુકાયો છે. આયોગનું માનવું છે કે આ વ્યૂહરચનાથી ખાનગી રોકાણને આકર્ષીને ભારતીય અર્થતંત્રને નવી ઊંચાઈએ પહોંચાડી શકાશે.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
