<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

વસ્તી ગણતરીની ફરજ કે બાળકોનું ભવિષ્ય? કલકત્તા હાઈકોર્ટે રાજ્ય સરકારને ઝાટકી: "રવિવારે પણ કામ કરાવશો તો શિક્ષકો આરામ ક્યારે કરશે?"

શિક્ષકો પર વધારાના બોજ અને શિક્ષણ પર પડતી અસરો અંગે કોર્ટે માંગી સ્પષ્ટતા: 18 ઓગસ્ટે યોજાશે આગામી મહત્વપૂર્ણ સુનાવણી

કોલકાતા : દેશમાં વસ્તી ગણતરીની કામગીરી અને શાળાઓમાં બાળકોના શિક્ષણ વચ્ચે સંતુલન જાળવવાનો મુદ્દો હવે કાનૂની વિવાદનું કેન્દ્ર બન્યો છે. કલકત્તા હાઈકોર્ટે શુક્રવારે વસ્તી ગણતરી માટે શિક્ષકોની કરાતી નિયુક્તિ અંગે પશ્ચિમ બંગાળ સરકાર અને વહીવટીતંત્ર પાસે જવાબ માંગ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વસ્તી ગણતરીનું કામ સુચારુ રૂપે પૂર્ણ થાય તે જરૂરી છે, પરંતુ તેના કારણે શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસ અને શિક્ષકોના માનસિક-શારીરિક સ્વાસ્થ્ય પર કોઈ વિપરીત અસર પડવી જોઈએ નહીં.

 

અરજદાર શિક્ષકોએ કોર્ટ સમક્ષ પોતાની વ્યથા રજૂ કરતાં જણાવ્યું હતું કે તેઓને દરરોજ પોતાની શાળા સુધી પહોંચવા માટે 40 થી 60 કિલોમીટર સુધીની લાંબી મુસાફરી કરવી પડે છે. શનિવારે પણ શાળાઓ કાર્યરત હોવાથી તેમને સપ્તાહમાં માત્ર રવિવારની એક જ રજા મળે છે. આ સંજોગોમાં વસ્તી ગણતરી માટે ગણતરીકાર કે સુપરવાઈઝર તરીકે કામ સોંપાતા તેમનું અંગત જીવન અને શૈક્ષણિક કાર્ય બંને ખોરવાઈ રહ્યા છે.

 

આ મુદ્દે જસ્ટિસ કૃષ્ણા રાવે ગંભીર સવાલો ઉઠાવતા પૂછ્યું હતું કે જે શિક્ષક દરરોજ કલાકોની મુસાફરી કરીને સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી ભણાવતો હોય, શું તેની પાસે રવિવારે પણ કામ કરાવવું યોગ્ય છે? શું તેમને ઘરકામ અને આરામની જરૂર નથી? કોર્ટે વહીવટીતંત્રને સલાહ આપી છે કે શાળાની નજીક રહેતા હોય તેવા જ શિક્ષકોની વસ્તી ગણતરી માટે પસંદગી કરવી જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકારના વકીલોને મધ્યમ માર્ગ શોધવા નિર્દેશ આપીને આ મામલાની આગામી સુનાવણી 18 ઓગસ્ટના રોજ મુકરર કરવામાં આવી છે.

(7:43 PM IST)