<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

લખનૌમાં શિક્ષકોની અછત સામે 'જનરેશન-આલ્ફા' પેઢીના વિદ્યાર્થીઓનો હલ્લાબોલ: ચક્કાજામમાં ફસાયેલા મંત્રી ગાડીમાંથી બહાર આવી બાળકોને મનાવવા મેદાનમાં ઉતર્યા!

મોહન રોડ પર ચક્કાજામ કરી પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને રાજ્યમંત્રી અસીમ અરુણે કાઉન્સિલિંગ કરી શાળા કેમ્પસમાં પરત મોકલ્યા: સમસ્યાઓના તાત્કાલિક ઉકેલની આપી ખાતરી

લખનૌ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં શિક્ષકોની ભારે અછતથી નારાજ 'જનરેશન-આલ્ફા' (Gen-Alpha) એટલે કે શાળાના યુવા વિદ્યાર્થીઓએ પ્રશાસન સામે મોરચો માંડ્યો હતો. પરા વિસ્તારના મોહન રોડ પર આવેલી જય પ્રકાશ નારાયણ સર્વોદય વિદ્યાલયના ધોરણ 8 થી 12 ના સેંકડો વિદ્યાર્થીઓએ સવારની પ્રાર્થના બાદ શાળા બહાર આવી મોહન રોડ સંપૂર્ણપણે જામ કરી દીધો હતો. વિદ્યાર્થીઓએ રસ્તા પર બેસીને શાળા પ્રશાસન અને શિક્ષણ વિભાગ વિરુદ્ધ આકરા સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

 

આ ચક્કાજામના કારણે રસ્તા પર ટ્રાફિકની લાંબી લાઈનો લાગી ગઈ હતી, જેમાં ત્યાંથી પસાર થઈ રહેલા ઉત્તર પ્રદેશના સમાજ કલ્યાણ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અસીમ અરુણનો કાફલો પણ ફસાયો હતો. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને રસ્તા પર બેઠેલા જોઈને મંત્રી પોતે પોતાની કારમાંથી બહાર આવ્યા હતા અને બાળકો વચ્ચે પહોંચી ગયા હતા. તેમણે અત્યંત પ્રેમ અને કુશળતાથી વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કર્યું, તેમને સમજાવ્યા અને રસ્તા પરથી ઊભા કરીને જાતે શાળા કેમ્પસમાં લઈ ગયા હતા.

 

શાળાના સભાગૃહમાં મંત્રી અસીમ અરુણે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ યોજ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે શાળામાં રસાયણશાસ્ત્ર, ઇતિહાસ અને રમતગમતના શિક્ષકો નથી, જેના કારણે NEET અને JEE ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ ખોરવાઈ ગયા છે. આ ઉપરાંત રમતગમતના સાધનો, વીજળી અને લાઈબ્રેરીની સુવિધાઓનો પણ અભાવ છે. મંત્રીએ આ તમામ ખામીઓ અને શિક્ષકોની અછતને તાત્કાલિક ધોરણે દૂર કરવાની મક્કમ ખાતરી આપીને આંદોલનનો સુખદ અંત આણ્યો હતો.

 

(7:45 PM IST)