<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

રાજસ્થાનમાં 'કોકરોચ જનતા પાર્ટી'નો સરકાર સામે હલ્લાબોલ: જર્જરિત સરકારી શાળા અને રસ્તાના મુદ્દે કાર્યકરો ઉતર્યા હડતાળ પર!

"જો ગૃહમંત્રી શાહની રેલી હોત તો રસ્તો બનતા એક વર્ષ લાગત?": અલવરમાં સરકારી શાળાની છત તૂટી પડતાં આશુતોષ રંકા અને ટીમે મોરચો માંડ્યો

નવી દિલ્હી: જાહેર મુદ્દાઓ અને શિક્ષણ ક્ષેત્રની દયનીય સ્થિતિ સામે અવાજ ઉઠાવતી 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) એ આ વખતે રાજસ્થાનમાં સરકાર સામે મોરચો ખોલીને ધરણાં પ્રદર્શન શરૂ કર્યા છે. અલવર જિલ્લાના થાનાગાજી વિસ્તારમાં આવેલા જોધાવાસની સરકારી શાળાની છત તૂટી પડવાની ઘટના બાદ સીજેપીના પ્રવક્તા આશુતોષ રંકા અને તેમની ટીમે સ્થાનિક વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન ચાલુ કર્યું છે.

 

ઇન્સ્ટાગ્રામ પર આકરા પ્રહારો કરતા આશુતોષ રંકાએ લખ્યું હતું કે, આ સરકારી શાળા છેલ્લા ચાર વર્ષથી અત્યંત જર્જરિત હાલતમાં છે અને વિદ્યાર્થીનીઓ નદી પાર કરીને ભણવા જવા મજબૂર બની છે. અલવરના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) એવો દાવો કરી રહ્યા છે કે શાળાનો રૂમ બનાવવામાં 6 મહિના અને રસ્તો બનાવવામાં 1 વર્ષ લાગશે. રંકાએ તીખા કટાક્ષમાં પૂછ્યું હતું કે, જો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રેલી અહીં યોજાવાની હોત તો પણ શું અધિકારીઓએ 1 વર્ષનો સમય માંગ્યો હોત? અમે બાળકોના ભવિષ્ય સાથે રમત નહીં થવા દઈએ.

 

બીજી તરફ સીજેપીના નેતા અભિજીત દીપકે જાહેરાત કરી છે કે તેઓ દેશના ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ પ્રણાલી સુધારવા માટે તેમના આંદોલનનો 'સીઝન 2' ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છે. તેમણે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના વિજ્ઞાપન પોસ્ટરો પર થતા ખર્ચ સામે વિરોધ નોંધાવતા કહ્યું હતું કે આ પબ્લિસિટીના પૈસા બાળકોના શિક્ષણ પાછળ વાપરવા જોઈએ. દિલ્હીના નારાયણામાં કાર્યકરોને સંબોધતા તેમણે ૨૦ જુલાઈના વિરોધ પ્રદર્શન પર થયેલી પોલીસ કાર્યવાહી અંગે ગૃહમંત્રી પાસે સંસદમાં માફીની માંગ કરી હતી.

(8:21 PM IST)