<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

છત્તીસગઢના કાંકેરમાં 29 માઓવાદીઓને ઢેર કરનાર BSF ના 20 બહાદુર જવાનોને શૌર્ય ચંદ્રક: 80મા સ્વાતંત્ર્ય પર્વે બહાદુરીનું સર્વોચ્ચ સન્માન!

ઇતિહાસના સૌથી મોટા નક્સલ વિરોધી ઓપરેશન 'ઓપરેશન કાંકેર' માટે BSF ની 94મી બટાલિયનના જવાનોની દેશભક્તિને સલામી: 5 અધિકારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત

રાયપુર : છત્તીસગઢના કાંકેર જિલ્લામાં નક્સલવાદીઓ સામે ઇતિહાસનું સૌથી મોટું અને સફળ ઓપરેશન પાર પાડનાર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના 20 જાંબાઝ જવાનોને 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ પ્રતિષ્ઠિત 'શૌર્ય ચંદ્રક'થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. એપ્રિલ 2024 માં હાથ ધરવામાં આવેલા આ સાહસિક ઓપરેશન દરમિયાન BSF ના જવાનોએ એક જ એન્કાઉન્ટરમાં 29 કટ્ટર માઓવાદીઓને ઢેર કરીને ભારે માત્રામાં વિસ્ફોટકો અને આધુનિક શસ્ત્રોનો જથ્થો જપ્ત કર્યો હતો.

 

કાંકેરના બીનાગુંડા અને કાલપરના ભયાનક જંગલોમાં BSF ની 94મી બટાલિયન અને છત્તીસગઢ પોલીસના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) દ્વારા આ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોતાની જાનની પરવા કર્યા વિના અત્યંત જોખમી ભૂતળ પર નક્સલીઓનો સફાયો કરનાર ઇન્સ્પેક્ટર રમેશ ચંદ્ર ચૌધરી, સબ ઇન્સ્પેક્ટર આલોક કુમાર, હેડ કોન્સ્ટેબલ કાના રામ યાદવ સહિત 20 જવાનોને તેમની અપ્રતિમ બહાદુરી અને વીરતા બદલ આ સન્માન એનાયત કરાયું છે.

 

આ ઉપરાંત, BSF ના નિવૃત્ત આઈજી એમ.એલ. ગર્ગ અને સી.ડી. અગ્રવાલ સહિત 5 ઉચ્ચ અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે 'રાષ્ટ્રપતિ મેડલ' અને અન્ય 42 કર્મચારીઓને સરાહનીય સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. માર્ચ 2026 માં ભારત સરકારે દેશને નક્સલ હિંસા મુક્ત જાહેર કર્યા બાદ ભૂતકાળમાં નક્સલ વિરોધી કામગીરીમાં સીમાચિહ્નરૂપ યોગદાન આપનારા આ વીર જવાનોનું સન્માન દેશભરના સુરક્ષા દળો માટે ભારે ગૌરવની ક્ષણ બની રહ્યું છે.

(8:27 PM IST)