<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

અમેરિકા છોડી ભારત પરત ફરતા ભારતીય પરિવારને પાડોશીએ આપી અશ્રુભીની વિદાય: વાયરલ વિડીયોએ કરોડો લોકોના દિલ જીત્યા!

"કૃપા કરીને ના જાઓ, તમારી ખૂબ યાદ આવશે": સંસ્કૃતિ અને સીમાઓથી પર બની ગયેલી લાગણીસભર મિત્રતાનો ભાવુક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ

વોશિંગ્ટન : બે અલગ-અલગ દેશો અને સંસ્કૃતિઓ વચ્ચે જ્યારે સ્નેહ અને સહાનુભૂતિનું બંધન બંધાય છે ત્યારે સીમાઓ અદ્રશ્ય થઈ જાય છે. અમેરિકામાં વસતા એક ભારતીય દંપતી અને તેમના અમેરિકન પાડોશી વચ્ચેની અશ્રુભીની વિદાયનો એક અત્યંત ભાવુક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારત પરત ફરી રહેલા આ પરિવારને ગુડબાય કહેતી વખતે અમેરિકન મહિલા પોતાના આંસુ રોકી ન શકી અને ભારતીય દંપતીને વળગીને રડી પડી હતી.

 

વિજય કોક્કેરાગડ્ડા નામના યુઝર દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે દંપતી પોતાનો સામાન પેક કરીને ડેટ્રોઇટ એરપોર્ટ તરફ જવાની તૈયારી કરી રહ્યું હતું. આ દરમિયાન તેમની અમેરિકન પાડોશી મહિલા તેમને વિદાય આપવા આવી હતી. પરંતુ વિદાયની ક્ષણ એટલી ભાવુક બની ગઈ કે મહિલા આ દંપતીને ચુસ્તપણે ભેટી પડી હતી અને વારંવાર "મને તમારી ખૂબ યાદ આવશે, પ્લીઝ ના જાઓ" કહીને પોતાના ખભા પર રડવા લાગી હતી. ભારતીય દંપતી પણ આ અણધારી અને પ્રેમાળ પ્રતિક્રિયાથી ભાવવિભોર થઈ ગયું હતું.

 

ખાસ વાત એ છે કે આ દંપતીને ખબર પણ નહોતી કે તેમની આ અંતિમ ક્ષણો કૅમેરામાં કેદ થઈ રહી છે. તેમના એક મિત્રે છુપાઈને આ ગુપ્ત વિડીયો શૂટ કર્યો હતો અને બાદમાં પરિવારને યાદગાર ભેટ તરીકે સોંપ્યો હતો. ઈન્ટરનેટ પર આ વિડીયો વાયરલ થતાં જ લોકો આ વિદેશી મહિલાના પ્રેમ અને બંને પરિવારો વચ્ચેના અદ્ભુત સંબંધોના ભારે વખાણ કરી રહ્યા છે. લોકો કોમેન્ટ્સમાં લખી રહ્યા છે કે સાચી મિત્રતા અને માનવતા સરહદો કે રાષ્ટ્રીયતાના બંધનોથી ઘણી ઉપર હોય છે.

(8:31 PM IST)