હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"અમે ફક્ત આકાશમાં ઉડતા નથી, અમે જીવ બચાવીએ છીએ": વાયુસેનાના જવાનોએ દેશના યુવાનોને આપ્યો પ્રેરણાદાયક સંદેશ!
'IAF મંત્ર' પોડકાસ્ટમાં ૩ યુવા અધિકારીઓએ વ્યક્ત કરી પોતાની શૌર્યગાથા: મિગ-29, સુપર હર્ક્યુલસ અને ધ્રુવ હેલિકોપ્ટર ઉડાડવાના રોમાંચક અનુભવો કર્યા શેર

નવી દિલ્હી: આકાશની ઊંચાઈઓને સર કરીને દેશની સરહદોનું રક્ષણ કરતી અને દરેક કટોકટીમાં આશાનું કિરણ બનીને ઊભરતી ભારતીય વાયુસેના (IAF) ના સાહસ અને સમર્પણની વાર્તા દરેક ભારતીયનું દિલ જીતી લે તેવી છે. વાયુસેનાના વિશેષ પોડકાસ્ટ એપિસોડમાં ઉડતી શાખાના ત્રણ બહાદુર યુવાન અધિકારીઓએ તેમના કઠોર અનુભવો અને રુવાંટી ઊભા કરી દે તેવી સાહસિક વિગતો દેશ સમક્ષ મૂકી હતી. મિગ-29 ફાઇટર જેટના પાઇલટ ફ્લાઇટ લેફ્ટનન્ટ પુણ્ય નાનજપ્પા, C-130J સુપર હર્ક્યુલસના પાઇલટ ફ્લાઇટ લેફ્ટનન્ટ દેસાઇ અને ALH ધ્રુવ હેલિકોપ્ટરના પાઇલટ વિંગ કમાન્ડર હિમાંશુ શર્માએ વાયુસેનાની આકરી તાલીમ અને બચાવ કામગીરીની આબેહૂબ ઝલક આપી હતી.
દરેક અધિકારીની વાયુસેનામાં જોડાવાની સફર અનોખી અને પ્રેરણાદાયી છે. વિંગ કમાન્ડર હિમાંશુ શર્માને તેમના શાળાના શિક્ષકે નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) તરફ પ્રેરિત કર્યા હતા. જ્યારે મૈસુરમાં એર શો જોઈને પ્રભાવિત થયેલા ફ્લાઇટ લેફ્ટનન્ટ પુણ્યએ એનસીસી એર વિંગ દ્વારા ઉડાનનો પ્રથમ અનુભવ લઈને ફાઇટર પાઇલટ બનવાનું સ્વપ્ન પૂરું કર્યું હતું. બીજી તરફ, ફ્લાઇટ લેફ્ટનન્ટ દેસાઇએ કોર્પોરેટ જગતની આરામદાયક નોકરી અને એન્જિનિયરિંગ કારકિર્દી છોડીને આકાશની ઊંચાઈઓને આંબવા AFCAT પરીક્ષા પાસ કરી હતી. આ ત્રણેય અધિકારીઓએ કઠિન કમ્પ્યુટરાઇઝ્ડ પાઇલટ સિલેક્શન સિસ્ટમ (CPSS) અને એરફોર્સ એકેડેમીની આકરી તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
ફાઇટર સ્ટ્રીમ અંગે વાત કરતા ફ્લાઇટ લેફ્ટનન્ટ પુણ્ય નાનજપ્પાએ જણાવ્યું કે MiG-29 જેવા ફાઇટર જેટ અવાજ કરતાં પણ બમણી ઝડપે ઉડે છે અને તીવ્ર વળાંકો દરમિયાન પાઇલટના શરીર પર ગુરુત્વાકર્ષણ બળ કરતાં ૯ ગણું (9Gs) દબાણ આવે છે, જેનો સામનો કરવા બેંગલુરુના ખાસ સેન્ટ્રિફ્યુજ સેન્ટરમાં તાલીમ આપવામાં આવે છે. ટ્રાન્સપોર્ટ ફ્લીટના ફ્લાઇટ લેફ્ટનન્ટ દેસાઈએ જણાવ્યું કે તેમનું C-130J વિમાન ૩૦ ટન ઇંધણ સાથે ૧૩ કલાક સુધી સતત ઉડી શકે છે. તેમણે મોડી રાત્રે ઉત્તર ભારતથી દિલ્હીની હોસ્પિટલમાં માનવ અંગ (લાઈવ ઓર્ગન) પહોંચાડીને દર્દીનો જીવ બચાવવાનો રોમાંચક કિસ્સો સંભળાવ્યો હતો.
હેલિકોપ્ટર પાઇલટ્સની સખત કામગીરી વિશે વાત કરતાં વિંગ કમાન્ડર હિમાંશુ શર્માએ જણાવ્યું કે મનાલીમાં ૧૩,૦૦૦ ફૂટની ઊંચાઈએ માઈનસ તાપમાન વચ્ચે બરફવર્ષામાં ૫૦૦થી વધુ પ્રવાસીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત, નર્મદાના પૂર દરમિયાન પણ અનેક ગ્રામજનોના જીવ બચાવવામાં આવ્યા હતા. ત્રણેય યુવા અધિકારીઓએ દેશના યુવાનોને સંદેશ આપતાં જણાવ્યું કે પોતાના લક્ષ્ય પ્રત્યે સમર્પિત રહીને સખત મહેનત કરો, વાયુસેનામાં જોડાવાથી જીવન પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ હંમેશા માટે નિર્ભય અને સકારાત્મક બની જશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
