News of Saturday, 15th August 2026
સ્વાતંત્ર્ય દિને દેશના16 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને 40 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી જારી
છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને પૂર્વોત્તર રાજ્યોમાં આગામી 24 કલાકમાં ફ્લેશ ફ્લડ અને પૂરનું મોટું જોખમ

નવી દિલ્હી :દેશ જ્યારે 15 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓમાં વ્યસ્ત છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા એક મોટી અને ચિંતાજનક ચેતવણી જારી કરવામાં આવી છે. દેશના 16 રાજ્યોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ અને તેજ આંધી-તોફાનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે જળબંબાકાર અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદી સિસ્ટમો સક્રિય થવાના કારણે વિવિધ રાજ્યોમાં 40 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની જોરદાર ઝડપે સૂસવાટા મારતા પવનો ફૂંકાઈ શકે છે. ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડનારા વરસાદને ધ્યાને રાખીને સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત રહેવા તેમજ નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે અપીલ કરવામાં આવી છે. સ્વાતંત્ર્ય પર્વના આયોજનો પર પણ વરસાદી માહોલની અસર જોવા મળી શકે છે.
સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂર્વ અને મધ્ય ભારતના રાજ્યોનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે ખાસ કરીને છત્તીસગઢ અને ઓડિશામાં આગામી 24 કલાક માટે ફ્લેશ ફ્લડ ( ઓચિંતું પૂર) નું ગંભીર જોખમ જાહેર કર્યું છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ અને ઝારખંડના નીચાળવાળા વિસ્તારોમાં ભારે વરસાદને પગલે નદી-નાળાઓ ઉભરાવાની અને પૂરની સ્થિતિ નિર્માણ થવાની સંભાવના છે. પૂર્વોત્તર રાજ્યોના કેટલાક પહાડી જિલ્લાઓમાં પણ ભૂસ્ખલન અને ફ્લેશ ફ્લડનું જોખમ તોળાઈ રહ્યું છે.
અવિરત વરસી રહેલા વરસાદને કારણે શહેરી અને ગ્રામીણ વિસ્તારોના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને NDRF ની ટીમોને કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. હવામાન ખાતાએ નદીકાંઠા અને પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અને હવામાનની સત્તાવાર આગાહીઓ પર નજર રાખવા ખાસ તાકીદ કરી છે.
(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
