<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

સ્વતંત્રતા દિવસે અક્ષય કુમારના દેશપ્રેમે જીત્યા કરોડો ફેન્સના દિલ: ત્રિરંગો હાથમાં પકડતા પહેલા ઉતાર્યા શૂઝ, વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ!

ટાઇગર શ્રોફ સાથે મુંબઈના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઉજવણી દરમિયાન અક્ષયની સાચા રાષ્ટ્રભક્ત તરીકેની અનોખી સ્ટાઇલ જોઈ ચાહકો અવાચક રહી ગયા.

મુંબઈ: દેશ જ્યારે ૮૦મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે બોલિવૂડના ‘ખિલાડી’ અક્ષય કુમારનો એક ભાવુક અને પ્રેરણાદાયી વીડિયો ઇન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાષ્ટ્રધ્વજ ત્રિરંગા પ્રત્યેનો તેમનો અગાધ આદર જોઈને લોકો તેમના મુક્તકંઠે વખાણ કરી રહ્યા છે.

 

મુંબઈના એક ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયોજિત સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણી દરમિયાન ધ્વજ ફરકાવવા માટે કોઈ થાંભલો ઉપલબ્ધ ન હોવાથી અક્ષય કુમારે પોતે ત્રિરંગો પકડીને ઉભા રહેવાનું નક્કી કર્યું હતું. જોકે, હાથમાં રાષ્ટ્રધ્વજ લેતાં પહેલાં તેમણે રાષ્ટ્રધ્વજના સન્માનમાં પોતાના બૂટ ઉતાર્યા હતા અને ત્યારબાદ ખુરશી પર ઊભા રહીને રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ દરમિયાન ગૌરવભેર ત્રિરંગો પકડી રાખ્યો હતો.

 

સોશિયલ મીડિયા પર યુઝર્સ આ વીડિયો શેર કરીને અક્ષય કુમારને સાચા દેશભક્ત ગણાવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે અક્ષયે સોશિયલ મીડિયા પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા લખ્યું કે, "આપણા ત્રિરંગાનું ગૌરવ અકબંધ રહે, દરેક હૃદયમાં આશા રહે અને દરેક આંખમાં સોનેરી આવતીકાલના સપના રહે." વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર ટૂંક સમયમાં જ સૈફ અલી ખાન સાથેની ફિલ્મ 'હૈવાન' અને રોહિત શેટ્ટીની 'ગોલમાલ ૫'માં જોવા મળશે.

 

(7:50 PM IST)