<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

સ્વતંત્રતા દિવસે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ : 'તમે ગાઈ શકો છો, હું ગાઈ શકતો નથી, પણ ખોટા કામ કરનારાઓ પર બુલડોઝર ચોક્કસ ચલાવી શકું છું'!

સત્તાવાર નિવાસસ્થાને દેશભરના કલાકારોનું સન્માન કરતી વખતે સીએમ યોગીની રમૂજી પણ આકરી ટિપ્પણી; અયોધ્યા-મથુરા દર્શન માટે અધિકારીઓને આપ્યા નિર્દેશ.

લખનૌ: સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાન ભવન બહાર આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારા દેશના વિવિધ રાજ્યોના કલાકારો સાથે વાતચીત કરી તેમનું ભાવભર્યું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર અને છત્તીસગઢના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ભારતની વિવિધતામાં એકતાને દેશની સૌથી મોટી તાકાત ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે કલાકારો ભારતીય સંસ્કૃતિ અને લોક વારસાના સાચા વાહક છે.

 

સંવાદ દરમિયાન છત્તીસગઢના એક કલાકારે જણાવ્યું કે સમગ્ર છત્તીસગઢમાં સીએમ યોગી "બુલડોઝર બાબા" તરીકે લોકપ્રિય છે. આ સાંભળીને મુખ્યમંત્રીએ ખડખડાટ હસીને કલાકારોને કહ્યું, "તમને બુલડોઝર ગમે છે ને? તમે શાનદાર ગાઈ શકો છો, પણ હું ગાઈ શકતો નથી; પરંતુ હા, હું ખોટા કામ કરનારાઓ પર બુલડોઝર ચોક્કસ ચલાવી શકું છું." તેમની આ ટિપ્પણી પર કાર્યક્રમમાં હાજર તમામ કલાકારોએ તાળીઓના ગડગડાટ સાથે પ્રતિસાદ આપ્યો હતો.

 

અનેક કલાકારોએ નવી અયોધ્યા અને લખનૌની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરતાં સીએમ યોગીએ તુરંત જ અધિકારીઓને તેમના માટે સુચારુ વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યા હતા. તેમણે કહ્યું કે આજના અયોધ્યા અને ભૂતકાળના અયોધ્યા વચ્ચે મોટો તફાવત છે, જે ત્રેતાયુગની યાદ અપાવે છે. સુરક્ષા અને એકતા વિના સારા ભારતનું નિર્માણ શક્ય નથી તેમ જણાવતા તેમણે સ્થાનિક કળા અને ઉત્સવોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો.

(7:54 PM IST)