News of Saturday, 15th August 2026
'વંદે માતરમ'ના ગાન વખતે સોનિયા ગાંધી અને ખડગે વચ્ચેની વાતચીતથી વિવાદ: ભાજપે કોંગ્રેસ પર રાષ્ટ્રીય ગીતના અનાદરનો આરોપ લગાવી માફીની માંગ કરી!
કોંગ્રેસ મુખ્યાલયમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન બનેલી ઘટનાથી રાજકારણ ગરમાયું; ભાજપે તીખો પ્રહાર કર્યો તો જયરામ રમેશે આપી સ્પષ્ટતા.

નવી દિલ્હી : સ્વતંત્રતા દિવસના શુભ પ્રસંગે દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલય 'ઇન્દિરા ભવન' ખાતે આયોજિત રાષ્ટ્રીય પર્વની ઉજવણી દરમિયાન નવો રાજકીય વિવાદ ઊભો થયો છે. કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' વાગી રહ્યું હતું ત્યારે કોંગ્રેસના સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો વાયરલ થતાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે અને દેશ સમક્ષ માફી માંગવાની માંગ કરી છે.
ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આ વખતનો સ્વતંત્રતા દિવસ ઐતિહાસિક છે કારણ કે દેશભરમાં 'વંદે માતરમ'નું સંપૂર્ણ સંસ્કરણ ગવાઈ રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે રાષ્ટ્રીય ગીત ચાલી રહ્યું હતું ત્યારે કોંગ્રેસના સર્વોચ્ચ નેતાઓ ગંભીરતા દર્શાવવાના બદલે એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા અને કોઈને ઈશારા કરીને સૂચના આપી રહ્યા હતા. આ કૃત્ય કોંગ્રેસની માનસિકતા અને રાષ્ટ્રગીત પ્રત્યેના તેમના અનાદરને દર્શાવે છે.
બીજી તરફ, ભાજપના આ પ્રહારો સામે કોંગ્રેસના સીનિયર નેતા જયરામ રમેશે સ્પષ્ટતા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય ગીતના ગાનને રોકવાનો કે તેનો અનાદર કરવાનો કોઈ જ પ્રયાસ કરવામાં આવ્યો નહોતો. ખડગેજી લાંબા સમયથી ઉભા હોવાને કારણે સોનિયા ગાંધી માત્ર તેમના માટે ખુરશી મંગાવવાની સૂચના આપી રહ્યા હતા. જોકે, ભાજપે આ ખુલાસાને ફગાવીને કોંગ્રેસ નેતાગીરી પાસે દેશવાસીઓની માફીની માંગણી દોહરાવી છે.
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
