હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મરાઠાઓના ભવ્ય સામ્રાજ્ય કોલ્હાપુરના ભારતમાં વિલીનીકરણની રોમાંચક દાસ્તાન: આઝાદીના દોઢ વર્ષ બાદ કેવી રીતે પૂર્ણ થયું ઐતિહાસિક જોડાણ?
મહાત્મા ગાંધીની હત્યા બાદ ફાટી નીકળેલા રમખાણોથી બદલાયા સમીકરણો; ૧ ફેબ્રુઆરી ૧૯૪૯ના રોજ મહારાજા શાહજી છત્રપતિ દ્વિતીયએ વિલીનીકરણ કરાર પર કર્યા હસ્તાક્ષર.

નવી દિલ્હી: ૧૯૪૭માં ભારતને આઝાદી મળી ત્યારે દેશમાં ૫૬૫ જેટલા રજવાડાઓ અસ્તિત્વમાં હતા, જેમાંથી મોટાભાગના રાજ્યો સરદાર વલ્લભભાઈ પટેલ અને વી.પી. મેનનના અથાક પ્રયાસોથી ૧૫ ઓગસ્ટ પહેલા જ ભારતમાં ભળી ગયા હતા. જોકે, દક્ષિણ ભારત (ડેક્કન) માં છત્રપતિ શિવાજી મહારાજની પુત્રવધૂ મહારાણી તારાબાઈ દ્વારા સ્થાપિત ઐતિહાસિક અને ભવ્ય કોલ્હાપુર રાજ્યનું વિલીનીકરણ અત્યંત પડકારજનક અને નાટ્યાત્મક રહ્યું હતું. શરૂઆતમાં ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ કોલ્હાપુરે માત્ર સંરક્ષણ, વિદેશ નીતિ અને સંદેશાવ્યવહાર જેવા ત્રણ વિષયો પર જ જોડાણ કરાર કર્યો હતો.
કોલ્હાપુરના ભવિષ્ય અંગે સ્થાનિક સ્તરે બે ભિન્ન વિચારો પ્રવર્તતા હતા. માધવરાવ બાગલના નેતૃત્વ હેઠળનું જૂથ રાજ્યની ઐતિહાસિક સ્વાયત્તતા જાળવી રાખવાનો પક્ષધર હતું, જ્યારે રત્નપ્પા કુંભારના નેતૃત્વ હેઠળનું જૂથ સામંતશાહીનો વિરોધ કરીને તાત્કાલિક અને સંપૂર્ણ વિલીનીકરણની માંગ કરી રહ્યું હતું. સરકારી અધિકારીઓ પણ મરાઠા સમુદાયની ભાવનાઓને ધ્યાનમાં રાખીને કોઈ આકરા પગલાં લેવાથી બચી રહ્યા હતા.
આ સમગ્ર પરિસ્થિતિમાં જાન્યુઆરી ૧૯૪૮માં મહાત્મા ગાંધીની હત્યા બાદ મોટો વળાંક આવ્યો. હત્યા પછી કોલ્હાપુરમાં ફાટી નીકળેલા વ્યાપક રમખાણોને નિયંત્રિત કરવા ભારત સરકારે પોતાના વહીવટકર્તાની નિમણૂક કરવી પડી હતી. આ ઘટનાક્રમ બાદ આખરે ૧ ફેબ્રુઆરી ૧૯૪૯ના રોજ મહારાજા શાહજી છત્રપતિ દ્વિતીયએ વિલીનીકરણ કરાર પર સત્તાવાર હસ્તાક્ષર કર્યા. ત્યારબાદ ૧ માર્ચ ૧૯૪૯ના રોજ કોલ્હાપુરના ખાસબાગ મેદાનમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં બોમ્બે પ્રાંતના તત્કાલીન પ્રીમિયર બી.જી. ખેરની હાજરીમાં વહીવટ સત્તાવાર રીતે બોમ્બે પ્રાંતને સોંપાયો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
