News of Saturday, 15th August 2026
સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની ગેરહાજરી પર રાજકીય ઘમાસાણ: એનડીએ નેતાઓએ આ વર્તનને દેશભક્તિનો અભાવ ગણાવ્યો!
લાલ કિલ્લા પર પીએમ મોદીના કાર્યક્રમમાં સતત બીજા વર્ષે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ગેરહાજરી પર એનડીએ નેતાઓએ સાધ્યું નિશાન; કહ્યું - "વડાપ્રધાન મોદી પ્રત્યેનો રોષ દેશભક્તિ પર ભારે પડ્યો."

નવી દિલ્હી : લાલ કિલ્લા ખાતે આયોજિત ૭૯મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની સતત બીજા વર્ષે ગેરહાજરી રાજકીય ચર્ચાનો વિષય બની છે. એનડીએના વિવિધ નેતાઓએ આ ગેરહાજરીને કોંગ્રેસ નેતાઓની સંકુચિત માનસિકતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેના તેમના પૂર્વગ્રહ તરીકે ગણાવી આકરી ટીકા કરી છે. ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને જેડી-યુના નેતાઓએ આ ઘટનાક્રમને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે.
કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ જવાહરલાલ નેહરુના સૌથી લાંબા કાર્યકાળનો રેકોર્ડ તોડ્યો હોવાથી કોંગ્રેસ નેતાઓના હૃદયમાં રોષ હોઈ શકે છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ૧૫ ઓગસ્ટનો કાર્યક્રમ એ કોઈપણ રાજકીય પક્ષનો નહીં પરંતુ દેશભક્તિનો કાર્યક્રમ છે અને તેમાં રાજકારણ લાવવું યોગ્ય નથી. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા આર.પી. સિંહે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ દરેક રાષ્ટ્રીય મુદ્દાનું રાજકારણ કરવા માટે બહાના શોધે છે, પરિણામે તેઓ રાષ્ટ્રના ગર્વ સમાન આવા કાર્યક્રમોથી દૂર રહે છે.
જેડી-યુના મહાસચિવ શ્યામ રજકેએ પણ પોતાનો મત રજૂ કરતા કહ્યું કે, સ્વતંત્રતા દિવસ એ મતભેદો ભૂલીને રાષ્ટ્ર માટે એકજૂથ થવાનો દિવસ છે, પરંતુ કોંગ્રેસ નેતાઓની ગેરહાજરી તેમનો રાષ્ટ્ર પ્રત્યેનો નકારાત્મક અભિગમ છતો કરે છે. બીજી તરફ, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી અને ખડગેના આ નિર્ણયને તેમના હોદ્દાને શોભે નહીં તેવું "બાલિશ કૃત્ય" ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીને પ્રોટોકોલ મુજબ બેસવાની યોગ્ય જગ્યા ન મળવા અંગે વિવાદ થયો હતો, જેને લઈને આ વખતે પણ કોંગ્રેસની આ ગેરહાજરીને લઈને રાજકીય ગલિયારાઓમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
