હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પુતિનનો ગુપ્ત 'પ્લાન મોલ્ડોવા': નાટો અને ઈયુને અંદરથી તોડવા રશિયાની નવી રણનીતિ સામે આવી
પુતિનની અત્યંત ગુપ્ત અને ઘાતક બ્લુપ્રિન્ટ : સમગ્ર કાવતરાનો મુખ્ય હેતુ સૈન્ય સંઘર્ષ વિના પશ્ચિમી દેશો અને અમેરિકા વચ્ચે વૈચારિક મતભેદો ઊભા કરીને નાટો ગઠબંધનને અંદરથી જ છીન્ન-ભિન્ન કરી દેવાનો છે

મોસ્કો : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નાટો અને યુરોપિયન યુનિયનને આમને-સામને સૈન્ય યુદ્ધ કર્યા વિના અંદરથી જ નબળા પાડવા માટે એક અત્યંત ગુપ્ત અને ઘાતક રણનીતિ બનાવી હોવાનો સન્સનાટીભર્યો ખુલાસો થયો છે. અહેવાલો મુજબ ક્રેમલિનમાં આયોજિત એક અતિ-ગુપ્ત બેઠકમાં રશિયન લશ્કરી અને ગુપ્તચર એજન્સીઓને મોલ્ડોવા દેશને અસ્થિર કરવાનો માસ્ટરપ્લાન સોંપવામાં આવ્યો છે. પશ્ચિમી ગુપ્તચર સંસ્થાઓને આશંકા છે કે રશિયા સાયબર હુમલા, બાલ્ટિક સરહદો પર ઘૂસણખોરી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરીને નાટોની સામૂહિક સંરક્ષણ નીતિ તેમજ સભ્યો વચ્ચેની એકતાનું પરીક્ષણ કરવા જઈ રહ્યું છે.
આ યોજનામાં મોલ્ડોવા સૌથી મહત્વપૂર્ણ કડી સાબિત થઈ શકે છે, કારણ કે આ નાનો દેશ યુક્રેન અને નાટો સભ્ય રોમાનિયાની વચ્ચે આવેલો છે. રશિયા દક્ષિણ યુક્રેન પર કબજો જમાવીને મોલ્ડોવા સુધીનો સીધો જમીન માર્ગ તૈયાર કરવા માંગે છે, જેથી ત્યાં પહેલાથી જ સ્થિત અલગતાવાદી પ્રદેશ ટ્રાન્સનિસ્ટ્રિયા સાથે સીધો સંપર્ક સાધી શકાય. તાજેતરમાં યુક્રેનના એનર્જી નેટવર્ક પર રશિયન હુમલાને કારણે મોલ્ડોવામાં વીજળી અને પાણી પુરવઠો ખોરવાઈ ગયો હતો, જે દર્શાવે છે કે હાઇબ્રિડ વોરફેર દ્વારા મોલ્ડોવા પર આર્થિક અને સામાજિક દબાણ વધારવામાં આવી રહ્યું છે.
રશિયાની આ ચાલથી ચિંતિત થઈને પોલેન્ડ, લિથુઆનિયા, લાતવિયા અને એસ્ટોનિયા જેવા દેશોએ પોતાના મહત્વપૂર્ણ ડેમ, પાવર પ્લાન્ટ અને ગેસ ગ્રીડ પર સુરક્ષા સજ્જડ કરી દીધી છે. આ દેશોને ડર છે કે રશિયા યુક્રેનિયન ડ્રોનનો ઉપયોગ કરીને 'ફોલ્સ ફ્લેગ' હુમલાઓ કરી શકે છે, જેથી નાટોના સભ્ય દેશો વચ્ચે જવાબદારી અને કાર્યવાહી અંગે વિવાદ ઊભો થાય. આ સમગ્ર કાવતરાનો મુખ્ય હેતુ સૈન્ય સંઘર્ષ વિના પશ્ચિમી દેશો અને અમેરિકા વચ્ચે વૈચારિક મતભેદો ઊભા કરીને નાટો ગઠબંધનને અંદરથી જ છીન્ન-ભિન્ન કરી દેવાનો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
