<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

ઝૂમ કોલ પર 900 કર્મચારીઓને હાંકી કાઢનાર સીઈઓ વિશાલ ગર્ગ હવે પોતાની જ નોકરી ગુમાવતાં ગિન્નાયા: નવા સીઈઓ પર લગાવ્યો દગાનો આક્ષેપ

વ્યાજદરો વધતાં અને 2023માં નિષ્ફળ SPAC મર્જરને કારણે કંપનીનું માર્કેટ કેપિટલ ઘટીને માત્ર $300 મિલિયન રહી ગયું

ન્યૂયોર્ક :   વર્ષ 2021માં ઝૂમ કોલ પર એકસાથે 900 કર્મચારીઓની છટણી કરીને વિશ્વભરમાં ભારે વિવાદ સર્જનાર 'બેટર હોમ્સ એન્ડ ફાઇનાન્સ'ના સ્થાપક વિશાલ ગર્ગ હવે પોતાની જ ખુરશી ગુમાવી બેઠા છે. 3 ઓગસ્ટના રોજ કંપનીના બોર્ડે તેમને સીઈઓ પદેથી બરતરફ કરી દીધા છે. આ આંચકાથી અકળાયેલા ગર્ગે કંપનીના નવા સીઈઓ ડેનિયલ લુઈસ પર ગંભીર આક્ષેપો મૂક્યા છે. ગર્ગનું કહેવું છે કે લુઈસે સલાહકાર બનીને બોર્ડમાં પ્રવેશ મેળવ્યો અને પાછળથી ડિરેક્ટરોને ઉકસાવીને તેમને સીઈઓ પદેથી હટાવી પોતાની નિમણૂક કરાવી લીધી, જે તેમની સાથે થયેલો ખુલ્લો દગો છે.

કોવિડ રોગચાળા દરમિયાન જ્યારે હોમ લોન રિફાઇનન્સિંગનો વ્યવસાય ચરમસીમાએ હતો, ત્યારે ગર્ગની આ મોર્ટગેજ કંપનીનું મૂલ્યાંકન $8 બિલિયન (અંદાજે ₹66,000 કરોડ) સુધી પહોંચી ગયું હતું. પરંતુ વ્યાજદરો વધતાં અને 2023માં નિષ્ફળ SPAC મર્જરને કારણે કંપનીનું માર્કેટ કેપિટલ ઘટીને માત્ર $300 મિલિયન રહી ગયું છે. કુખ્યાત ઝૂમ છટણી, વ્હિસલબ્લોઅર કેસ અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) ની તપાસ છતાં ગર્ગ સીઈઓ પદે ટકી રહ્યા હતા. પરંતુ આ વખતે લુઈસે બોર્ડ સામે દલીલ કરી હતી કે ગર્ગ કંપનીને આગળ લઈ જવા માટે પૂરતા ક્ષમતાવાન નથી.

ગર્ગે દાવો કર્યો છે કે તેમણે કંપનીને નફાકારકતાના આરે પહોંચાડી દીધી હતી ત્યારે જ તેમની સાથે રમત રમાઈ ગઈ. લુઈસના કાર્યભાર સંભાળ્યા પછી કંપનીના શેરમાં 45% નો મોટો કડાકો બોલાઈ ગયો છે, જેને ટાંકીને ગર્ગે જણાવ્યું કે રોકાણકારો પણ લુઈસની નિમણૂકથી નારાજ છે અને ઘણા રોકાણકારોએ તેમને ફરી સીઈઓ બનવા વિનંતી કરી છે. બીજી તરફ, 4 ઓગસ્ટે લુઈસે X (ટ્વિટર) પર ગર્ગના યોગદાનનો આદર કરવાનો દાવો કર્યો હતો, પરંતુ આંતરિક રાજકારણ અને આર્થિક કટોકટી વચ્ચે કંપનીનું ભવિષ્ય હવે વધુ ધૂંધળું બન્યું છે.

(10:53 PM IST)