News of Saturday, 15th August 2026
અમે હિન્દુઓને સહન કરીએ છીએ : ઝરદારીના નિવેદનથી ભારતમાં ભારે આક્રોશ: પાકિસ્તાની રાષ્ટ્રપતિના દાવા પાછળનું સચ્ચાઈ અને આંકડાનું ગણિત
પાકિસ્તાનમાં હિન્દુઓ ભારત કરતાં વધુ મુક્ત અને સમૃદ્ધ છે અને તેઓ ભારત કરતાં પાકિસ્તાનમાં રહેવાનું વધુ પસંદ કરશે

નવી દિલ્હી: પાકિસ્તાનના 80મા સ્વતંત્રતા દિવસ પર ઇસ્લામાબાદના 'યાદગાર-એ-ફતેહ' સ્મારક ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આપેલા વિવાદાસ્પદ નિવેદને આંતરરાષ્ટ્રીય સ્તરે નવો વિવાદ ઊભો કર્યો છે. ભારત પર "અખંડ ભારત"ના એજન્ડાનો આરોપ લગાવતા ઝરદારીએ કહ્યું કે "અમે મુસ્લિમો છીએ અને આપણી માનસિકતા સહન કરવાની છેઅમે પાકિસ્તાનમાં રહેતા 3-4% હિન્દુઓને સહન કરીએ છીએ." તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં હિન્દુઓ ભારત કરતાં વધુ મુક્ત અને સમૃદ્ધ છે અને તેઓ ભારત કરતાં પાકિસ્તાનમાં રહેવાનું વધુ પસંદ કરશે.
ઝરદારીના આ દાવા સામે તેમની પોતાની સરકારના જ આંકડા તીવ્ર વિરોધાભાસ દર્શાવે છે. પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સની 2023ની વસ્તી ગણતરી મુજબ દેશમાં હિન્દુ વસ્તી 3-4% નહીં પરંતુ માત્ર 2.17% (આશરે 52.17 લાખ) જ છે. તેમાંથી લગભગ 49 લાખ હિન્દુઓ એકલા સિંધ પ્રાંતમાં વસે છે. માનવ અધિકાર અહેવાલો (HRCP અને USCIRF) દર્શાવે છે કે દર વર્ષે સેંકડો સગીર હિન્દુ છોકરીઓનું અપહરણ, બળજબરીથી ધર્માંતરણ અને નિકાહ કરાવાય છે, જેના કારણે દર વર્ષે હજારો હિન્દુ પરિવારો પાકિસ્તાન છોડીને ભારતમાં શરણ લેવા મજબૂર બને છે.
ભારતમાં આ નિવેદન સામે આકરા પ્રહાર થઈ રહ્યા છે. કેરળ હાઈકોર્ટના વકીલ રોહિત મદાસેરિલથી લઈને વિદેશી નીતિના નિષ્ણાતોએ આ તીખી પ્રતિક્રિયા આપી છે. નિષ્ણાતો માને છે કે પાકિસ્તાનમાં સૈન્ય પ્રમુખ અસીમ મુનીરના વધતા પ્રભાવ વચ્ચે ઝરદારી પોતાની રાજકીય જમીન બચાવવા અને આંતરિક નિષ્ફળતાઓથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે ભારત વિરોધી અને કોમી રેટરિકનો સહારો લઈ રહ્યા છે.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
