<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

મિડલ ઈસ્ટમાં કૂટનીતિક ગરમાવો: કતારના કબજામાં ઈરાની ફાઇટર પાઇલટ્સ : છ મહિના બાદ ઈરાને ખોલ્યા રહસ્યના પત્તા

અમેરિકન મિલિટરી બેઝ પર હુમલા દરમિયાન તોડી પડાયેલા Su-24 વિમાનોના પાઇલટ્સની સુરક્ષા અને મુક્તિ માટે ઈરાને આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સમક્ષ તાકીદની ગુહાર લગાવી

દોહા : મધ્ય પૂર્વના યુદ્ધ ક્ષેત્રમાંથી એક અત્યંત સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. માર્ચ મહિનામાં કતાર સ્થિત અલ-ઉદેદ એર બેઝ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા એરસ્ટ્રાઈક ઓપરેશન દરમિયાન તોડી પાડવામાં આવેલા બે Su-24 ફાઇટર જેટના ત્રણ પાઇલટ્સ જીવંત હાલતમાં કતારના કબ્જામાં હોવાનો સત્તાવાર ખુલાસો થયો છે. છેલ્લા છ મહિનાથી ગુમ થયેલા માનવામાં આવતા આ પાઇલટ્સ ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષના સૌથી મોટા કૂટનીતિક અને સૈન્ય મોહરા બની ગયા છે. ઈરાની સશસ્ત્ર દળોની 'મિસિંગ પર્સન્સ સર્ચ કમિટી'ના કમાન્ડર જનરલ મોહમ્મદ બાઘરઝાદેહે પુષ્ટિ કરી છે કે ત્રણેય પાઇલટ્સ – જાવેદ સાલેહી, અબ્દુલ-માજિદ દશ્તિયન અને ઇમરાન બેહરુશિયન કતારની કસ્ટડીમાં સુરક્ષિત પણ ગુપ્ત રીતે કેદ છે.

આ હાઇ-પ્રોફાઇલ ઘટના પાછળના રહસ્યમય સંજોગો એ વાત તરફ ઈશારો કરે છે કે કતાર સરકારે ત્રણેય પાઇલટ્સને અત્યાર સુધી એકબીજા સાથે મળવા, કાનૂની સલાહ લેવા કે પોતાના પરિવારજનો સાથે સંપર્ક કરવા દીધા નથી. ચોથા પાઇલટ માજિદ કાઝેમીનો મૃતદેહ ગયા મહિને ઈરાન મોકલવામાં આવ્યા બાદ અને ડીએનએ ટેસ્ટ દ્વારા મૃત્યુની પુષ્ટિ થયા બાદ જ બાકીના ત્રણ પાઇલટ્સ જીવિત હોવાની જાણકારી સ્પષ્ટ થઈ હતી. ઈરાને દાવો કર્યો છે કે કતાર એક તરફ અમેરિકા સાથે સૈન્ય ભાગીદારી નિભાવી રહ્યું છે અને બીજી તરફ આ પાઇલટ્સની કસ્ટડી છુપાવીને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તહેરાને હવે કૂટનીતિક દબાણ વધારવાનું શરૂ કર્યું છે. ઈરાને ત્રીજી જિનેવા કન્વેન્શનનો હવાલો આપીને આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સમિતિ (ICRC)ને તાત્કાલિક મધ્યસ્થી કરવા વિનંતી કરી છે. ઈરાનની માંગ છે કે રેડ ક્રોસના પ્રતિનિધિઓ દોહામાં કતારની સેનાની કસ્ટડીમાં રહેલા પાઇલટ્સની શારીરિક-માનસિક સ્થિતિની તપાસ કરે અને તેમની વહેલી તકે મુક્તિ માટે પરિસ્થિતિ સુનિશ્ચિત કરે. આ મામલે કતાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ આ ઘટનાએ ખાડી દેશોમાં સૈન્ય તણાવ અને રાજદ્વારી ખેંચતાણ ચરમસીમાએ પહોંચાડી દીધી છે.

(10:54 PM IST)