તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૮ શનિવાર
થાણેના તીન હાથ નાકા પાસે આવેલી ૩,૦૦૦ મીમીની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં સર્જાયેલ ભંગાણનું BMC દ્વારા સફળ સમારકામ: મુંબઈના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠો તબક્કાવાર થશે પુનઃસ્થાપિત!
ગુરુવારથી શરૂ થયેલી ભારે જહેમત બાદ એન્જિનિયરોને મળી સફળતા; ઉચ્ચ દબાણ અને અનેક અવરોધો પાર કરીને પાઇપલાઇનને MS પેચ પ્લેટ દ્વારા સુરક્ષિત કરવામાં આવી.

મુંબઈ: મુંબઈ શહેર અને પૂર્વીય ઉપનગરો માટે જીવનવાયુ સમાન ગણાતી ૩,૦૦૦ મીમી વ્યાસની 'મુંબઈ-III' પાણીની મુખ્ય પાઇપલાઇનમાં થાણેના તીન હાથ નાકા નજીક થયેલું મોટું લીકેજ BMC માટે ગંભીર પડકાર બની ગયું હતું. ગુરુવારે રાત્રે આ લીકેજ સામે આવ્યા બાદ, BMC ના સિવિલ એન્જિનિયરો અને કર્મચારીઓની ટીમે સતત મહેનત કરી આખરે શનિવારે સાંજે ૫ વાગ્યે તેને કાયમી ધોરણે સમારકામ કરવામાં સફળતા મેળવી છે. પાઇપલાઇનમાં પાણીના અત્યંત ઉચ્ચ દબાણને કારણે સમારકામ દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ટીમે હિંમત હાર્યા વગર કામ પૂર્ણ કર્યું હતું.
શરૂઆતમાં અધિકારીઓએ કામચલાઉ ધોરણે લાકડાના સ્ટોપર લગાવીને લીકેજ રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાયમી ઉકેલ માટે પાઇપલાઇનની આસપાસના વિસ્તારમાં મોટું ખોદકામ કરવું પડ્યું હતું. પાઇપલાઇનને સૂકવીને તેના ક્ષતિગ્રસ્ત ભાગ પર મજબૂત 'માઇલ્ડ સ્ટીલ' (MS) પેચ પ્લેટ વેલ્ડ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન પીસ પમ્પિંગ સ્ટેશન અને પાંજરાપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે સંકલન સાધી પાણીના પ્રવાહને નિયંત્રિત કરવામાં આવ્યો હતો, જેથી પાઇપલાઇન પરનું દબાણ ઘટાડી શકાય.
સમારકામ પૂર્ણ થતા BMC એ રાહતનો શ્વાસ લીધો છે. મહાપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાઇપલાઇન રિચાર્જ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને શનિવારે રાત્રે ૯ વાગ્યાથી તબક્કાવાર રીતે પાણી પુરવઠો પુનઃસ્થાપિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ધીમે-ધીમે વિતરણ નેટવર્કમાં પાણીનું દબાણ સ્થિર થતાં નાગરિકોને ટૂંક સમયમાં સામાન્ય પાણી પુરવઠો મળી રહેશે તેવી અપેક્ષા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
