News of Saturday, 15th August 2026
રશિયાના હૃદય સમાન ઔદ્યોગિક વિસ્તારોમાં યુક્રેનનો તબાહી મચાવતો હુમલો: સરહદથી ૯૦૦ કિલોમીટર દૂર આવેલા રોકેટ ટેકનોલોજી સેન્ટરને બનાવ્યું નિશાન!
યુદ્ધ હવે પાંચમા વર્ષમાં પ્રવેશતા જ આક્રમક બન્યું; ઝેલેન્સકીનો લલકાર, કહ્યું - "રશિયાને શાંતિનો અહેસાસ કરાવવા માટે તેમના સ્થાપનો પર હુમલા જરૂરી છે."

કિવ: યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ હવે વધુ ભયાનક અને દૂરગામી વળાંક પર આવી પહોંચ્યું છે. શનિવારે રશિયાના દક્ષિણપશ્ચિમ સમારા પ્રદેશમાં થયેલા વિશાળ હવાઈ હુમલાએ સમગ્ર રશિયન સુરક્ષા વ્યવસ્થાને હચમચાવી દીધી છે. યુક્રેનિયન દળોએ ખાસ કરીને રશિયન સ્પેસ એજન્સી 'રોસકોસ્મોસ' હેઠળ કામ કરતા અને રોકેટ ટેકનોલોજી તથા ઈલેક્ટ્રોનિક્સનું ઉત્પાદન કરતા 'પ્રોગ્રેસ સેન્ટર'ને નિશાન બનાવ્યું છે. આ સુવિધા યુક્રેનિયન સરહદથી લગભગ ૯૦૦ કિલોમીટર દૂર સ્થિત હોવા છતાં, યુક્રેને પોતાની 'ફ્લેમિંગો' મિસાઈલ દ્વારા ચોક્કસ પ્રહાર કર્યો હતો.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પર આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, રશિયાએ હવે શાંતિની અનિવાર્યતા સમજવી પડશે. તેમના મતે, રશિયામાં સ્થિત લશ્કરી અને ઉર્જા સંસાધનોને સીધું નુકસાન પહોંચાડીને મોસ્કોની આવક ઘટાડવાનો અને સામાન્ય નાગરિકોને યુદ્ધના પરિણામોનો અહેસાસ કરાવવાનો આ એક પ્રયાસ છે. આ વર્ષે યુક્રેન દ્વારા લાંબા અંતરના હુમલાઓમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં જુલાઈ મહિનામાં જાન્યુઆરીની સરખામણીએ ત્રણ ગણા વધુ હુમલાઓ નોંધાયા છે.
આ હુમલાના પ્રત્યાઘાત રૂપે રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેમણે ૧૯ પ્રદેશો અને ક્રિમીઆ સહિતના વિસ્તારો પરથી ૫૯૮ યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા છે. જોકે, શતુરા ક્ષેત્રમાં થયેલા ડ્રોન હુમલામાં નવ વર્ષના બાળક સહિત બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બીજી તરફ, રશિયાએ પણ વળતો હુમલો કરતા દક્ષિણપૂર્વ યુક્રેનના મારહાનેટ્સ શહેરમાં એક એપાર્ટમેન્ટ પર ડ્રોન હુમલો કર્યો હતો, જેમાં ત્રણ મહિનાના માસૂમ બાળકનું કરુણ મોત થયું છે અને ૧૧ લોકો ઘાયલ થયા છે.
આ યુદ્ધમાં હવે સુરક્ષા કવચ અને મિસાઈલ હુમલાઓનો દાયરો એટલો વિસ્તરી ગયો છે કે રશિયન સૈન્યને હવે મોટા વિસ્તારમાં પોતાના હવાઈ સંરક્ષણ દળો તૈનાત કરવાની ફરજ પડી રહી છે. યુદ્ધના પાંચમા વર્ષે આ ઘર્ષણ હવે સરહદોની પેલે પાર વધુ વિનાશક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, જેના કારણે બંને દેશોમાં સામાન્ય નાગરિકોની સલામતી ગંભીર જોખમમાં મુકાઈ ગઈ છે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
