<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

સ્પેનના સેઉટા સરહદ પર ફરી ફાટી નીકળી અંધાધૂંધી: સેંકડો સ્થળાંતરકારોએ સ્પેનમાં ઘૂસવાનો પ્રયાસ કરતા મોરોક્કન પોલીસે કડક હાથે રોકી પરિસ્થિતિ પર મેળવ્યો કાબૂ!

જુલાઈના અંતમાં થયેલા ભારે ધસારાની યાદો તાજી છે ત્યાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ બાદ સરહદ પર વધારાઈ સુરક્ષા; અલ તારાજલ ક્રોસિંગ પર પોલીસનો કડક પહેરો.

સેઉટા: સ્પેનનું નાનું સ્વાયત્ત શહેર સેઉટા ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગત ૩૦-૩૧ જુલાઈએ થયેલા હજારો સ્થળાંતરકારોના મોટા ધસારામાંથી આ પ્રદેશ હજુ સંપૂર્ણપણે બહાર આવ્યો નથી, ત્યાં જ શનિવારે સરહદ પર ફરી એકવાર ભારે તણાવ અને અંધાધૂંધી સર્જાઈ હતી. સેંકડો આફ્રિકન સ્થળાંતર કરનારાઓ સ્પેનિશ સરહદ પાર કરવાના ઈરાદાથી આગળ વધી રહ્યા હતા, પરંતુ મોરોક્કન હુલ્લડ વિરોધી પોલીસની સતર્કતા અને સઘન સુરક્ષાને કારણે તેમને સરહદથી ત્રણ કિલોમીટર દૂર જ રોકી દેવામાં આવ્યા હતા.

 

શનિવારે સવારે ૬ વાગ્યાની આસપાસ સ્થળાંતરકારોનું જૂથ સરહદ તરફ આગળ વધવા લાગ્યું હતું, જેની જાણ થતાં જ મોરોક્કોએ મોટી સંખ્યામાં વધારાના સુરક્ષા દળોને મેદાનમાં ઉતારી દીધા હતા. પોલીસે કડક કાર્યવાહી કરીને સ્થળાંતરકારોને પાછળ ધકેલી દીધા હતા અને મુખ્ય રસ્તાઓને સીલ કરીને સુરક્ષા ઘેરો બનાવી દીધો હતો. સોશિયલ મીડિયા પર સેઉટા પહોંચવા માટે ઉશ્કેરણીજનક અને અપીલ કરતા સંદેશાઓ વાયરલ થયા બાદ સ્પેન અને મોરોક્કો બંને દેશોની સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી.

 

આ ઘટનાએ યુરોપમાં ગેરકાયદેસર સ્થળાંતર અને સરહદી સુરક્ષાના પ્રશ્નને વધુ ગંભીર બનાવી દીધો છે. જોકે, આ વખતે પોલીસની સમયસૂચકતા અને વ્યાપક સુરક્ષા વ્યવસ્થાને કારણે કોઈ મોટી અનિચ્છનીય ઘટના ટળી ગઈ હતી, પરંતુ તાજેતરની આ વણઝારે પ્રશાસનની ચિંતામાં ચોક્કસ વધારો કર્યો છે.

(11:33 PM IST)