News of Monday, 17th August 2026
આને કહેવાય પ્રેમઃ પતિએ પત્ની માટે બનાવ્યું તાજમહેલ જેવું ઘર
તાજમહેલ હોમ'નો અંદરનો અદ્ભૂત વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે : ઘરનો બહારનો ભાગ સફેદ રંગમાં તૈયાર કરવામાં આવ્યો છે અને આસપાસ હરિયાળી પણ જોવા મળે છે. ઘરની ડિઝાઇનમાં તાજમહેલના મોટા ગુમ્બજથી લઈને તેની આસપાસ દેખાતી મિનારા જેવી સંરચનાઓને પણ સામેલ કરવામાં આવી

બુરહાનપુર,તા.૧૭: જ્યારે પણ પ્રેમની મિસાલ આપવાની વાત આવે છે ત્યારે મુઘલ બાદશાહ શાહજહાં અને મુમતાઝના તાજમહેલનો ઉલ્લેખ ચોક્કસ થાય છે. મોટાભાગના લોકો પત્ની માટે તાજમહેલ બનાવવાની વાતો કરે છે, પરંતુ મધ્ય પ્રદેશના બુરહાનપુરના રહેવાસી અને બિઝનેસમેન આનંદ પ્રકાશ ચોકસી એ આ વાતને હકીકતમાં બદલી બતાવી છે. તેમણે પોતાની ધર્મપત્ની પ્રત્યેના પ્રેમને અમર બનાવવા માટે અસલ તાજમહેલ જેવું જ એક ભવ્ય અને આલીશાન ઘર બનાવી દીધું છે. હાલમાં જ આ 'તાજમહેલ હોમ'નો અંદરનો અદ્વુત વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
તાજમહેલને દુનિયા માત્ર પ્રેમની નિશાની તરીકે ઓળખતી નથી, પરંતુ તેની સુંદરતા અને અદ્વુત આર્કિટેક્ચર પણ લોકોને પોતાની તરફ ખેંચે છે. સફેદ સંગમરમર, મોટો ગુમ્બજ, ચારેય તરફ બનેલા મિનારા જેવા સ્તંભો અને સુંદર બગીચાઓ તેની ઓળખ છે. કદાચ આ જ કારણ છે કે, તાજમહેલ જેવું ઘર બનાવવાનો વિચાર પણ પોતાનામાં એક ખૂબ જ મોટું સપનું લાગે છે. પરંતુ મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં રહેતા આનંદ પ્રકાશ ચોકસીએ આ સપનાને હકીકતમાં બદલવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પોતાની પત્ની માટે તાજમહેલથી પ્રેરિત એક અત્યંત સુંદર ઘર બનાવ્યું છે, જેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે.
હકીકતમાં આ આલીશાન ઘર મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં બનાવવામાં આવ્યું છે, જે અસલ તાજમહેલથી લગભગ ૮૦૦ કિલોમીટર દૂર હોવાનું કહેવાય છે. આનંદ પ્રકાશ ચોકસીએ આ ઘર બનાવવાનું કામ વર્ષ ૨૦૨૧માં શરૂ કરાવ્યું હતું. ઘરને જોઈને પહેલી જ નજરે તાજમહેલની ઝલક દેખાય છે. હાલમાં કન્ટેન્ટ ક્રિએટર શુભમ પ્રજાપતે આ ઘરનો વીડિયો શેર કર્યો હતો, જે બાદ તે સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચવા લાગ્યું. વીડિયોમાં ઘરની બહારથી લઈને અંદર સુધીની ઘણી ખાસ વસ્તુઓ બતાવવામાં આવી છે. ઘર જોઈને ઘણા લોકો તેને પ્રેમની અનોખી મિસાલ ગણાવી રહ્યા છે.
તાજમહેલની સુંદરતામાં સફેદ રંગ અને તેની આસપાસનો લીલોછમ બગીચો ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. આનંદ પ્રકાશ ચોકસીના ઘરમાં પણ આ બંને બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ઘરનો બહારનો ભાગ સફેદ રંગમાં તૈયાર કરવામાં આવ્યો છે અને આસપાસ હરિયાળી પણ જોવા મળે છે. ઘરની ડિઝાઇનમાં તાજમહેલના મોટા ગુમ્બજથી લઈને તેની આસપાસ દેખાતી મિનારા જેવી સંરચનાઓને પણ સામેલ કરવામાં આવી છે. અહીં સુધી કે મુખ્ય દરવાજા અને દીવાલો પર પણ કોતરણીનું કામ જોવા મળે છે, જે ઘરને વધુ શાહી લુક આપે છે.
૨૪ ફૂટ ઊંચી છત, અંદરનો લુક પણ ખૂબ જ ભવ્ય આ ઘરની એક ખાસ વાત તેની ઊંચી છત છે. રિપોર્ટ અનુસાર, ઘરની છત લગભગ ૨૪ ફૂટ ઊંચી છે. આટલી ઊંચી છત સામાન્ય ઘરોમાં જોવા મળતી નથી અને આ જ બાબત તેના અંદરના ભાગને ખૂબ જ ખુલ્લો અને ભવ્ય બનાવે છે. ઘરની અંદર પહોંચવા પર તેની સજાવટ પણ લોકોનું ધ્યાન ખેંચે છે. વીડિયોમાં શુભમે તેના ઈન્ટિરિયરને ફિલ્મોમાં દેખાતા આલીશાન ઘરો જેવું ગણાવ્યું. ઘરના સીડીઓને પણ રોયલ અંદાજમાં ડિઝાઇન કરવામાં આવી છે. સુંદર લાઇટ્સ, પેઇન્ટિંગ્સ, સોફા અને સજાવટની બીજી વસ્તુઓએ આખા ઈન્ટિરિયરને ખૂબ જ ભવ્ય બનાવી દીધું છે.
આનંદ પ્રકાશ ચોકસીએ આ ઘરને માત્ર બહારથી તાજમહેલ જેવું બતાવવાનો પ્રયાસ નથી કર્યો, પરંતુ તેની ડિઝાઇનમાં તાજમહેલની ઘણી ઝીણવટોને પણ સામેલ કરી છે. ઘરનો આકાર, ગુમ્બજ, બહારનું માળખું અને બીજી ડિઝાઇન તાજમહેલથી પ્રેરિત રાખવામાં આવી છે. વીડિયોનાં અંતમાં ખુદ આનંદ પ્રકાશ ચોકસી પણ જોવા મળે છે. તે જણાવે છે કે, ઘર તૈયાર કરતી વખતે અસલ તાજમહેલના માપનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, તાજમહેલની માપણી મીટરમાં લેવામાં આવી હતી અને પછી તે જ ગુણોત્તરને ફૂટમાં બદલીને ઘરની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.
સામાન્ય રીતે લોકો પોતાના ઘરને સુંદર બનાવવા માટે અલગ-અલગ પ્રકારની ડિઝાઇન પસંદ કરે છે, પરંતુ તાજમહેલથી પ્રેરિત આખું ઘર બનાવવું એ પોતાનામાં એક અલગ જ વાત છે. આનંદ પ્રકાશ ચોકસીનું આ ઘર હવે સોશિયલ મીડિયા પર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આ ઘરની સૌથી ખાસ વાત માત્ર તેની ભવ્યતા નથી, પરંતુ તેની પાછળ છુપાયેલી ભાવોનિ પણ છે. પત્ની માટે તાજમહેલથી પ્રેરિત ઘર બનાવવાનો વિચાર જ તેને એક ખાસ અને યાદગાર ભેટ બનાવી દે છે. આ જ કારણ છે કે, સોશિયલ મીડિયા પર લોકો તેને જોઈને 'આજના જમાનાના શાહજહાંનો પ્રેમ' ગણાવી રહ્યા છે
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
