News of Monday, 17th August 2026
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચસ્તરીય ડેલિગેશન સોમવારે યુએસના સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યું : સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર ભારતીય ત્રિરંગા સાથે ગુજરાતી સમુદાયે કર્યો ઉષ્માભર્યો સત્કાર
સ્થાનિક ગુજરાતી સમુદાય સાથેની ખાસ બેઠકથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ યુ.એસ. પ્રવાસના કરશે શ્રીગણેશ : વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭ના પ્રમોશન અને વૈશ્વિક રોકાણકારોને નિમંત્રણ આપવા યોજાયો છે પ્રવાસ

સાન ફ્રાન્સિસ્કો: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતનું ઉચ્ચસ્તરીય ડેલિગેશન પોતાના નિર્ધારિત અમેરિકા અને કેનેડાના પ્રવાસના પ્રથમ તબક્કામાં સોમવારે સાન ફ્રાન્સિસ્કો આવી પહોંચ્યું છે.
સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર ઉતરાણ કરતાની સાથે જ ત્યાં વસતા ગુજરાતી સમુદાયના અગ્રણીઓ અને એનઆરઆઈ (NRI) સમુદાય દ્વારા હાથમાં ભારતીય ત્રિરંગા સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય પ્રતિનિધિમંડળનું અત્યંત ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અમેરિકા પહોંચ્યા બાદ મુખ્યમંત્રી પોતાના યુ.એસ. પ્રવાસની વિધિવત શરૂઆત સાન ફ્રાન્સિસ્કોમાં સ્થાયી થયેલા ગુજરાતી સમુદાયના અગ્રણીઓ અને બિઝનેસ લીડર્સ સાથેની મહત્વપૂર્ણ બેઠકથી કરશે. આ બેઠક દરમિયાન તેઓ વતન ગુજરાતના વિકાસ મોડલ અને રાજ્યની આર્થિક પ્રગતિ અંગે સંવાદ સાધશે.
આગામી જાન્યુઆરી ૨૦૨૭માં યોજાનારી 'વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ' માટે વિદેશી રોકાણકારો, ટેકનોલોજી ક્ષેત્રના અગ્રણીઓ અને વિવિધ ઉદ્યોગ સાહસિકોને ગુજરાતમાં રોકાણ કરવા તેમજ સમિટમાં ભાગ લેવા માટે નિમંત્રણ આપવાના ઉદ્દેશથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. સાન ફ્રાન્સિસ્કો ખાતેની બેઠકો પૂર્ણ કર્યા બાદ ડેલિગેશન વોશિંગ્ટન ડીસી, ન્યૂ યોર્ક તેમજ કેનેડાના ટાટોંરો સહિતના શહેરોની પણ મુલાકાત લેશે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
