<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

શેર બજારના મહારથી જેન સ્‍ટ્રીટને જુલાઈમાં જબરદસ્‍ત ઝટકોઃ એઆઈ શેરોની ધોલાઈ વચ્‍ચે ૧૫ અબજ ડોલરનું ઐતિહાસિક નુકસાનઃ ન્‍યુઝ ફર્સ્‍ટ

એક દાયકામાં પહેલી વાર માસિક ટ્રેડિંગ આવક નકારાત્‍મકઃ છતાં ચાલુ વર્ષે અત્‍યાર સુધી ૪૦ અબજ ડોલરથી વધુની ટ્રેડિંગ આવકઃ જોખમી સોદામાં પીછેહઠ

ન્‍યૂયોર્કઃ વિશ્વના સૌથી શક્‍તિશાળી અને રહસ્‍યમય ટ્રેડિગ ગૃહોમાં ગણાતી જેન સ્‍ટ્રીટને જુલાઈમાં આશરે ૧૫ અબજ ડોલરનો જંગી ફટકો પડ્‍યો હોવાનું સામે આવ્‍યું છે. ભારતીય ચલણમાં વર્તમાન વિનિમય દર પ્રમાણે તેની કિમત આશરે રૂ. ૧.૪ લાખ કરોડની આસપાસ થાય છે. કૃત્રિમ બુદ્ધિ ક્ષેત્રના શેરોમાં આવેલી ભારે વેચવાલી અને ‘સિચ્‍યુએશનલ અવેરનેસ' નામના કૃત્રિમ બુદ્ધિ કેન્‍દ્રિત હેજ ફંડમાં રહેલા રોકાણે નુકસાનમાં મોટી ભૂમિકા ભજવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ‘સિચ્‍યુએશનલ અવેરનેસ'નું સંચાલન ઓપનએઆઈના ભૂતપૂર્વ સંશોધક લિયોપોલ્‍ડ એશેનબ્રેનર કરે છે. જુલાઈમાં કૃત્રિમ બુદ્ધિ શેરોની ભારે વેચવાલી બાદ ફંડને માર્જિન કોલનો સામનો કરવો પડ્‍યો અને તેણે પોતાના મોટા ભાગના શેર પોર્ટફોલિયોને તાત્‍કાલિક વેચવો પડ્‍યો હતો. જેન સ્‍ટ્રીટ આ ફંડના રોકાણકારોમાં સામેલ છે.

જેન સ્‍ટ્રીટના આંતરિક સંદેશામાં જુલાઈને કંપની માટે ‘ખરાબ મહિનો' ગણાવવામાં આવ્‍યો હતો. કૃત્રિમ બુદ્ધિ સાથે જોડાયેલા અનેક મોટા મેમરી અને સેમિકન્‍ડક્‍ટર શેર જુલાઈમાં આશરે ૫૦ ટકા સુધી તૂટ્‍યા હોવાનું કંપનીના સંદેશામાં જણાવાયું છે. એશિયાના કૃત્રિમ બુદ્ધિ સિવાયના કેટલાક શેરોમાં લીધેલી લાંબી પોઝિશનથી પણ કંપનીને ફટકો પડ્‍યો હતો. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે આ નુકસાન છતાં જેન સ્‍ટ્રીટે ચાલુ વર્ષમાં અત્‍યાર સુધી ૪૦ અબજ ડોલરથી વધુની ટ્રેડિગ આવક ઊભી કરી છે, જે ગયા આખા વર્ષની આશરે ૩૯.૬ અબજ ડોલરની આવક કરતાં પણ વધુ છે. જોકે જુલાઈના નુકસાનને કારણે વર્ષ ૨૦૧૬ પછી પહેલી વખત કંપનીની માસિક ટ્રેડિગ આવક નકારાત્‍મક બની. કંપનીએ નુકસાન થયેલા ક્ષેત્રોમાં પોતાની જોખમી પોઝિશનનો મોટો ભાગ બંધ કરી દીધો છે અને કેટલીક અન્‍ય વ્‍યૂહરચનાઓમાં પણ જોખમ લેવાનું ઘટાડ્‍યું છે. આશરે ૩,૫૦૦ કર્મચારીઓ ધરાવતી અને વર્ષ ૨૦૦૦માં શરૂ થયેલી જેન સ્‍ટ્રીટ દુનિયાભરના ૨૦૦થી વધુ ટ્રેડિગ સ્‍થળો સુધી સીધી પહોંચ ધરાવે છે.

(11:56 AM IST)