<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

સ્‍વતંત્રતા દિવસની સવારે પીએમ મોદીએ પશુ-પંખીઓ સાથે વિતાવેલી ભાવ ક્ષણોઃ ઈન્‍સ્‍ટાગ્રામ પર શેર કરી તસ્‍વીરોઃ યુવા પેઢી સુધી પહોંચવાનો નવો પ્રયાસ

નવી દિલ્‍હી, ભારતના સ્‍વતંત્રતા દિવસની ઉજવણી પહેલાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્‍ટ પર સવારના દિનચર્યાનો એક અત્‍યંત ભાવુક અને ખાસ વીડિયો શેર કર્યો છે. ૭, લોક કલ્‍યાણ માર્ગ સ્‍થિત તેમના આધિકારિક નિવાસસ્‍થાનેથી સામે આવેલા આ વીડિયોમાં પીએમ મોદી પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને રાષ્‍ટ્રીય પક્ષી મોરને ચણ નાખતા અને પુંગનૂર પ્રજાતિની ગાયોને વહાલથી ચારો ખવડાવતા નજરે પડે છે. સ્‍વતંત્રતા દિવસના ઐતિહાસિક કાર્યક્રમમાં લાલ કિલ્લા પર ધ્‍વજવંદન કરવા નીકળતાં પહેલાં તેમણે આ અબોલ જીવો સાથે સવારનો થોડો સમય વિતાવ્‍યો હતો. ઇન્‍સ્‍ટાગ્રામ પર આ હૃદયસ્‍પર્શી ક્ષણો શેર કરતાં વડા-ધાને લખ્‍યું, રોજ સવારે મારા આ અબોલ મિત્રોને ખવડાવવું એ મારો દિનચર્યાનો એક હિસ્‍સો છે. ગઈકાલે સવારે તેમને કોઈક રીતે ખબર પડી ગઈ કે હું વહેલો જઈ રહ્યો છું, તેથી હું લાલ કિલ્લા તરફ નીકળું તે પહેલાં જ તેઓ મને મળવા આવી પહોંચ્‍યા હતા. દર વખતની જેમ આ ક્ષણ પણ મારા માટે ખૂબ જ ખાસ રહી. વીડિયોમાં વડાપ્રધાન એ જ પરંપરાગત કુર્તા-પાયજામા, જેકેટ અને ખાસ સાફામાં સજ્જ જોવા મળે છે, જે પોશાક તેમણે લાલ કિલ્લાના પ્રાચીન પરથી રાષ્‍ટ્રને સંબોધિત કરતી વખતે પહેર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાન મોદી યુવા પેઢી સાથે જોડાવા માટે ડિજિટલ પ્‍લેટફોર્મ અને ઇન્‍સ્‍ટાગ્રામ રીલ્‍સનો સક્રિય ઉપયોગ કરી રહ્યા છે. નેશનલ હેન્‍ડલૂમ ડે નિમિત્તે પણ તેમણે વીડિયો શેર કરીને દેશવાસીઓને સ્‍થાનિક વણકરો અને ગરીબ પરિવારોની આજીવિકા મજબૂત કરવા હાથવણાટના કાપડ ખરીદવાની અપીલ કરી હતી. સાથોસાથ, તેમણે યુવાનોને માર્ગદર્શન આપતા અને દેશના વિકાસમાં ભાગીદાર બનતા અનેક પ્રેરણાદાયી સંદેશા સોશિયલ મીડિયાના માધ્‍યમથી પાઠવ્‍યા છે

(12:08 PM IST)