<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

દેશપ્રેમ ગીત-સંગીતમાં નહી આપણા ગુણોમાં હોવો જોઇએઃ પૂ.નમ્રમુનિ મ.સા.

રાષ્‍ટ્રસંત પરમ ગુરૂદેવના પાવન સાનિધ્‍યમાં ‘લહેરા દો...' કાર્યક્રમમાં લહેરાયા તિરંગા : પારસધામ ખાતે ધ્‍વજારોહણઃ સાંજે દેશભક્‍તિ સાથે શાસનભક્‍તિના રંગો પણ છવાયા

મુંબઈઃ રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન સાનિધ્‍યમાં ઘાટકોપરના પારસધામ ખાતે ૧૫ ઓગસ્‍ટના ભારતના ૮૦મા સ્‍વતંત્રતા દિવસની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. પારસધામના ભાવિકોની ઉપસ્‍થિતિમાં ધારાસભ્‍ય પરાગભાઈ શાહે ધ્‍વજારોહણ કર્યું હતું. પારસધામના ભાવિકો સાથે ‘લુક એન લર્ન'ના બાળકોએ ભારતીય સેનાની ત્રણેય પાંખોના જવાનોની વેશભૂષામાં ઉપસ્‍થિત રહી દેશભક્‍તિનો માહોલ સર્જ્‍યો હતો.

સાંજે આરાધ્‍ય ભક્‍તિ પાર્ક ખાતે ‘લહેરા દો...' દેશભક્‍તિના વિશેષ કાર્યક્રમમાં દેશભક્‍તિ સાથે શાસનભક્‍તિનો પણ અનોખો સંગમ જોવા મળ્‍યો હતો. પ્રાસંગિક પ્રવચનમાં પરમ ગુરુદેવે કહ્યું કે ‘‘જેના હૃદયમાં ભારત પ્રત્‍યે પ્રેમ નથી, તેના ભારતીય એડ્રેસ કે ભારતીય ડ્રેસનું કોઈ મહત્‍વ નથી. દેશપ્રેમ ગીત-સંગીતમાં નહીં, પરંતુ આપણા ગુણોમાં હોવો જોઈએ.'' તેમણે રાષ્‍ટ્ર પ્રત્‍યે વફાદારી અને દેશને નુકસાન પહોંચાડનારા આંતરિક દુશ્‍મનોને ઓળખવાની હાકલ કરી હતી.

નશામુક્‍ત ભારતનું આહ્વાન કરતાં પરમ ગુરુદેવે સૌને નશામુક્‍ત ભારતની રચનામાં પોતાનું યોગદાન આપવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. સ્‍વતંત્રતા સંગ્રામમાં જૈન સમાજના યોગદાન અને દેશ માટે હસતાં મુખે બલિદાન આપનાર જૈન શહીદો સાથે સેનાના જવાનોને ભાવાંજલિ અર્પી હતી. યુદ્ધ સમયે જવાનોને પીવાનું પાણી પહોંચાડતી વખતે દુશ્‍મનની ગોળીથી શહીદ થયેલા બાદલ નામના ભારતીય સેનાના એક ઊંટને પણ ગુરુદેવે સ્‍મળતિ કરાવી હતી.

આ તકે CA દેવાંશભાઈ શાહ અને હર્ષિતભાઈ શાહે દેશભક્‍તિના લોકપ્રિય ગીતો રજૂ કરી વાતાવરણને રાષ્‍ટ્રપ્રેમના રંગે રંગ્‍યું હતું. તેમણે ‘વંદે માતરમ' સાથે ‘વંદે શાસનમ' ની ભાવનાને સાકાર કરતાં જિનશાસનના ભક્‍તિગીતો પણ રજૂ કર્યા હતા.

(2:35 PM IST)