તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Monday, 17th August 2026
દિમાગી નક્સલ ભાષણના એક શબ્દથી સોશિયલ મીડિયા પર ઊભું થયું વિરોધનું નવું વાવાઝોડું
ઇન્સ્ટાગ્રામ પર દિમાગી નક્સલ જનતા પાર્ટીનો ધમાકોઃ ૨૪ કલાકમાં લાખો ફોલોઅર્સ જોડાઈ જતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા

નવી દિલ્હી, તા.૧૭: ૧૫ ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા જણાવ્યું હતું કે ભારતે જંગલોમાં હથિયાર ઉપાડનારા નક્સલવાદીઓ સામે મોટી સફળતા મેળવી છે. જોકે, તેમણે ચેતવણી આપી હતી કે હજુ પણ દેશમાં દિમાગી નક્સલવાદીઓ સક્રિય છે, જેઓ ચોક્કસ વિચારધારા દ્વારા યુવાનોને ભટકાવીને દેશમાં અશાંતિ ફેલાવવાની તકો શોધી રહ્યા છે. વડાપ્રધાને આવા તત્વોને ઓળખીને તેમને સમાજમાંથી અલગ કરવા હાકલ કરી હતી. પરંતુ આ ભાષણના કલાકોમાં જ સોશિયલ મીડિયા પર આ શબ્દ વિરોધ અને રાજકીય વ્યંગનું મુખ્ય કેન્દ્ર બની ગયો.
વડાપ્રધાનના આ નિવેદન બાદ તુરંત જ ઇન્સ્ટાગ્રામ અને (ટ્વિટર) પર દિમાગી નક્સલ જનતા પાર્ટી નામનું પેજ અસ્તિત્વમાં આવ્યું. આ હેન્ડલે ડિજિટલ પ્લેટફોર્મ પર અભૂતપૂર્વ ગતિ પકડી અને માત્ર ૨૪ કલાકની અંદર જ તેના ૧.૮ લાખથી વધુ ફોલોઅર્સ થઈ ગયા. આ પેજે વિચારો સંશોધન પ્રતિકાર કરોના સૂત્ર સાથે ડિજિટલ સ્પેસમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. નેટીઝન્સ અને યુવાનો આ શબ્દપ્રયોગને કટાક્ષ તરીકે અપનાવીને સરકાર સામે પોતાન પ્રશ્નો અને અસંતોષ રજૂ કરવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે.
આ ઘટનાક્રમ થોડા સમય પહેલાં વાયરલ થયેલી કોકરોચ જનતા પાર્ટીની યાદ અપાવે છે, જે મુખ્ય ન્યાયાધીશની એક ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર શરૂ થઈ હતી અને બાદમાં એક મોટું આંદોલન બની ગઈ હતી. જોકે, કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે સામે આવીને ઓળખ આપી હતી, જ્યારે દિમાગી નક્સલ જનતા પાર્ટી પાછળ કોનો હાથ છે તે હજુ સુધી રહસ્ય જ છે. રાજકીય વિશ્લેષકોના મતે, આ કોઈ માન્ય રાજકીય પક્ષ નથી પરંતુ નેતાઓના ભાષણો અને વિવાદિત શબ્દોને તરત જ રાજકીય વ્યંગમાં ફેરવી દેવાનો સોશિયલ મીડિયાનો એક નવો યુવા ટ્રેન્ડ બની ગયો છે.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
