News of Monday, 17th August 2026
ટાટા ગ્રુપમાં મડાગાંઠ: ચેરમેન એન. ચંદ્રશેખરનના રાજીનામા પહેલા તેમણે અને નોએલ ટાટાએ અલગ-અલગ સરકારને આપ્યું હતું આંતરિક વિવાદોનું અપડેટ
વ્યૂહરચના અને ગવર્નન્સ મુદ્દે મતભેદો વચ્ચે સરકારી હસ્તક્ષેપના સંકેતો: એર ઈન્ડિયા, ડિજિટલ પ્લેટફોર્મ અને સેમિકન્ડક્ટર સાહસોના નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરાઈ

નવી દિલ્હી : ટાટા ગ્રુપમાં ચાલી રહેલી આંતરિક ઉથલપાથલ વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને ફેબ્રુઆરીમાં પદ છોડવાની જાહેરાત કરી તે પહેલાં, તેમણે અને ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાએ અલગ-અલગ રીતે કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓને ટાટા ગ્રુપના આંતરિક વિવાદો અને ચિંતાઓ વિશે માહિતગાર કર્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકોમાં મુખ્યત્વે ગ્રુપની ભવિષ્યની વ્યૂહરચના અને ગવર્નન્સ (વહીવટ) મુદ્દે નોએલ ટાટા અને ચંદ્રશેખરન વચ્ચે રહેલા મતભેદોની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગ્રુપના નવા બિઝનેસ સાહસોની દિશા અને ચંદ્રશેખરનના પુનઃનિયુક્તિને લઈને રહેલી અનિશ્ચિતતા પણ ચર્ચાનો વિષય રહી હતી. સરકારી અધિકારીઓએ આ ફરિયાદોને સાંભળી હતી, પરંતુ સરકારે સ્પષ્ટ કર્યું હતું કે તે આ વિવાદમાં કોઈ પણ જૂથની તરફેણ કરી રહી નથી.
ખાસ કરીને એર ઈન્ડિયા, ટાટાના ડિજિટલ પ્લેટફોર્મ અને સેમિકન્ડક્ટર વેન્ચર્સ દ્વારા થઈ રહેલા આર્થિક નુકસાનના મુદ્દાઓને લઈને સરકાર સમક્ષ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ અગાઉ વર્ષ 2025માં પણ ટાટા ટ્રસ્ટની અંદરના તણાવને કારણે ટ્રસ્ટીઓએ સરકારી સ્તરે સંપર્ક કર્યો હતો. ટાટા જૂથના આંતરિક માળખાકીય પ્રશ્નો અને શેરહોલ્ડિંગને લઈને ઉકેલ શોધવા માટે હવે આ પ્રકારના સંઘર્ષો એક લાંબાગાળાની ગંભીર સમસ્યા તરીકે ઉભરી રહ્યા છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
