<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

પરમાણુ અકસ્માત વળતર અને કાયદાકીય સત્તા પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: શાંતિ કાયદા (SHANTI Act) હેઠળ કેન્દ્ર સરકાર પાસે માંગી સ્પષ્ટતા!

AERB ના સભ્યોની નિમણૂકમાં હિતોના સંઘર્ષ (Conflict of Interest) અને રૂ. ૩,૦૦૦ કરોડની જવાબદારી મર્યાદા (Liability Cap) સામે સર્વોચ્ચ અદાલતની સખત ચિંતા

નવી દિલ્હી : પરમાણુ અકસ્માતોના કિસ્સામાં પીડિતોને મળતા વાજબી વળતર અને સુરક્ષા નીતિઓ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની પીઠે 'શાંતિ' (SHANTI Act, 2025) અધિનિયમ હેઠળ બંધારણીય અદાલતોની વાજબી વળતર આપવાની સત્તા અને નિયામક સંસ્થાના સભ્યોની નિમણૂક પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

ભૂતપૂર્વ અમલદાર ઈ.એ.એસ. શર્મા, પ્રોફેસરો અને વૈજ્ઞાનિકો દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરતી વખતે કોર્ટે કેન્દ્ર પાસે જવાબ માગ્યો છે. અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ અને નેહા રાઠીએ રજૂઆત કરી હતી કે ૨૦૨૫ નો આ નવો કાયદો બંધારણની કલમ ૧૪, ૧૯ અને ૨૧ હેઠળ મળેલા મૂળભૂત અધિકારોનું ગંભીર ઉલ્લંઘન કરે છે. તેમણે દલીલ કરી હતી કે આ કાયદો પરમાણુ પ્લાન્ટના સપ્લાયરોને જવાબદારીમાંથી સંપૂર્ણ મુક્તિ આપે છે અને ઓપરેટરો માટે જવાબદારીની મહત્તમ મર્યાદા માત્ર રૂ. ૩,૦૦૦ કરોડ નક્કી કરે છે, જે ચેર્નોબિલ કે ફુકુશિમા જેવી મોટી હોનારતના નુકસાન સામે ૦.૧ ટકા કરતાં પણ ઓછી છે.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સંસદે રોકાણકારોને પ્રોત્સાહિત કરવા માટે ભલે કાયદો બનાવ્યો હોય, પરંતુ સંસદની કોઈ જોગવાઈ બંધારણીય અદાલતોને પીડિતોને ન્યાયી અને વાજબી વળતર આપતાં રોકી શકતી નથી. આ ઉપરાંત, પીઠે અણુ ઊર્જા નિયમનકારી બોર્ડ (AERB) ની નિમણૂક પ્રક્રિયા અંગેની કલમ ૧૭(૪) પર પણ કેન્દ્રનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે. અરજદારોનો આરોપ છે કે અણુ ઊર્જા પંચ (AEC) પોતે પ્લાન્ટ ચલાવે છે અને તે જ જો નિયમનકારી સંસ્થાના સભ્યોની પસંદગી કરે તો તે 'હિતોનો સીધો સંઘર્ષ' દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે શાંતિ (Sustainable Harnessing and Advancement of Nuclear Energy for Transforming India) એક્ટ, ૨૦૨૫ એ ૨૦૧૦ ના 'સિવિલ લાયબિલિટી ફોર ન્યુક્લિયર ડેમેજ એક્ટ' નું સ્થાન લીધું છે. આ કાયદો ખાનગી અને વિદેશી કંપનીઓને નાગરિક પરમાણુ વીજ પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપે છે. હવે સુપ્રીમ કોર્ટના આ આકરા વલણ બાદ આર્થિક નીતિઓ અને નાગરિક સુરક્ષા વચ્ચેના સંતુલન અંગે કેન્દ્ર સરકારનો જવાબ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે.

(6:28 PM IST)