<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાન અને ઓમાન વચ્ચે મોટો કરાર: દરિયાઈ ટ્રાન્ઝિટ રૂટના નકશા પર સહમતિ, ટૂંક સમયમાં જારી થશે સંયુક્ત નિવેદન!

નોર્થ-સાઉથ રૂટ પર જહાજોની અવરજવર માટે બ્લૂપ્રિન્ટ તૈયાર; યુએસ-ઈરાન તણાવ વચ્ચે વૈશ્વિક તેલ પુરવઠા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આશાનું નવું કિરણ

તેહરાન,: મધ્ય પૂર્વમાં જારી તણાવ વચ્ચે વૈશ્વિક ઊર્જા સુરક્ષા અને સમુદ્રી વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી જહાજોની અવરજવર અંગે ઈરાન અને ઓમાન વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી થઈ છે. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘાઇએ સોમવારે જાહેરાત કરી હતી કે બંને દેશો હોર્મુઝ સ્ટ્રેટ માટેના ટ્રાન્ઝિટ રૂટના નકશા પર સંમત થયા છે અને ટૂંક સમયમાં તેને અંતિમ પેકેજ તરીકે સંયુક્ત નિવેદન સાથે જારી કરવામાં આવશે.

અહેવાલો મુજબ, આ નવી વ્યવસ્થા હેઠળ આંતરરાષ્ટ્રીય જહાજો ઈરાની દરિયાકાંઠા પાસેના ઉત્તરીય માર્ગથી સ્ટ્રેટમાં પ્રવેશ કરશે અને ઓમાની દરિયાકાંઠા પાસેના દક્ષિણ માર્ગથી બહાર નીકળશે. સંઘર્ષની સ્થિતિ સર્જાયા પહેલા જહાજો પ્રવેશ અને બહાર નીકળવા માટે કોઈપણ માર્ગનો ઉપયોગ કરવા માટે સ્વતંત્ર હતા. હાલમાં અમેરિકા અને ઈરાન બંને વચ્ચે સર્જાયેલા સંઘર્ષના કારણે આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ પર ભારે તણાવ અને નાકાબંધી જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.

વિશ્લેષકોના મતે, જો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ ઈરાન-ઓમાન સોદાને મંજૂરી આપે છે, તો તે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી સુરક્ષિત રીતે ખોલવાનો અને આ વિસ્તારમાં ચાલી રહેલા સંઘર્ષને શાંત કરવાનો માર્ગ મોકળો કરી શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના મડાગાંઠને ઉકેલવા અને દરિયાઈ વેપાર પુનઃ શરૂ કરવા માટે આ કરાર એક રાજદ્વારી સફળતા સાબિત થઈ શકે છે.

અગાઉ વચગાળાના કરાર પાછળથી અટકી પડતાં પ્રદેશમાં લશ્કરી વાતાવરણ ગરમ થયું હતું. આવી પરિસ્થિતિમાં ઈરાન અને ઓમાન વચ્ચેનો આ નવો સુધારેલો ટ્રાન્ઝિટ પ્લાન સમગ્ર વિશ્વ માટે રાહતના સમાચાર લઈને આવ્યો છે, જેનાથી ઈંધણ પરિવહન અને દરિયાઈ સલામતી પુનઃસ્થાપિત થવાની આશા વધી છે.

(6:26 PM IST)