<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

જૂના વાહનોના એન્જિન બચાવવા દેશના મુખ્ય આર્થિક સલાહકારની મોટી ભલામણ: 'પેટ્રોલ પંપ પર E10 ઇંધણ ફરી શરૂ કરો, E20 પણ ચાલુ રાખો!'

દેશમાં કાર્યરત ૭.૫ થી ૮ કરોડ જૂના ટુ-વ્હીલર્સના રક્ષણ અને માઇલેજની સમસ્યા ઉકેલવા ફ્લેક્સિબલ મોડેલની જોગવાઈ; 'ફૂડ વર્સિસ ફ્યુઅલ' ની સ્થિતિ અંગે પણ આપી કડક ચેતવણી

નવી દિલ્હી : દેશભરમાં ૨૦ ટકા ઇથેનોલ મિશ્રણ ધરાવતું E20 પેટ્રોલ ફરજિયાત બનાવવામાં આવ્યા બાદ વાહનચાલકો અને ઓટોમોબાઇલ ક્ષેત્રે માઇલેજ તથા એન્જિનના સ્વાસ્થ્ય અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી હતી. આ વિવાદ વચ્ચે ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) વી. અનંત નાગેશ્વરને એક અત્યંત વ્યવહારુ અને મહત્વપૂર્ણ સૂચન આપીને સમગ્ર ચર્ચાને નવો વળાંક આપ્યો છે. 'ઇન્ડિયન એક્સપ્રેસ' માં પ્રકાશિત પોતાના લેખમાં નાગેશ્વરને ભલામણ કરી છે કે સરકાર ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ બંધ કરવાના બદલે લવચીક અભિગમ અપનાવે અને જૂના વાહનો માટે પેટ્રોલ પંપ પર E10 ઇંધણનો વિકલ્પ ફરી શરૂ કરે.

મુખ્ય આર્થિક સલાહકારે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા એવા દાવાઓને સરેઆમ ફગાવી દીધા હતા કે E20 ઇંધણ તાત્કાલિક એન્જિનને નુકસાન પહોંચાડે છે કે માઇલેજમાં ૩૦ ટકા સુધીનો ઘટાડો કરે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઇથેનોલમાં સાદા પેટ્રોલ કરતાં ઓછી ઉર્જા હોવાથી માઇલેજમાં માત્ર ૬ થી ૭ ટકાનો જ તફાવત પડે છે. જોકે, દેશમાં હાલમાં લગભગ ૭.૫ થી ૮ કરોડ જેટલા BS-IV પહેલાના કાર્બ્યુરેટર મોડેલ વાહનો રસ્તા પર દોડી રહ્યા છે, જેમાં વધારે ઇથેનોલને કારણે એન્જિન વધુ ગરમ થવા અને રબર સીલ તથા ફ્યુઅલ સિસ્ટમના ભાગો ઝડપથી બગડવાની સમસ્યા સર્જાય છે. તેવામાં E10 અને E20 બંને ઇંધણ પંપ પર ઉપલબ્ધ રાખવાથી સામાન્ય લોકોની મોટી ચિંતાઓ દૂર થશે.

આ ઉપરાંત, CEA એ આ મુદ્દાને માત્ર પેટ્રોલ પંપ પૂરતો સીમિત ન રાખતા તેને દેશની કૃષિ અને ખાદ્ય સુરક્ષા સાથે જોડ્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે જો ભારત E20 થી આગળ વધીને E27 કે E30 તરફ જશે, તો મકાઈ, શેરડી અને અનાજની જંગી જરૂરિયાત ઊભી થશે. બળતણ ઉત્પાદન માટે ખેતીલાયક જમીન અને પાણીનો વધુ પડતો વપરાશ ખાદ્ય પાકો અને પશુ આહારના પુરવઠાને અસર કરી શકે છે.

એકવાર ખેડૂતો અને ડિસ્ટિલરીઝ બળતણ ઉત્પાદન તરફ વળી જશે, ત્યારે દેશમાં ખાદ્ય સંકટ કે મોંઘવારી સમયે જૂની વ્યવસ્થા પર પાછા ફરવું અત્યંત જટિલ બની જશે. તેથી, નાગેશ્વરને ભલામણ કરી છે કે E20 થી આગળના લક્ષ્યો નક્કી કરતા પહેલા 'ખોરાક વિરુદ્ધ બળતણ' સંતુલનનું સંપૂર્ણ ખર્ચ-લાભ વિશ્લેષણ (Cost-Benefit Analysis) હાથ ધરવું અનિવાર્ય છે.

(6:29 PM IST)