<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

'કોઈ મારા ભાઈ-પિતાને નોકરી આપવા તૈયાર નહોતું': રિયા ચક્રવર્તીએ છલકાવ્યું દર્દ, કહ્યું- CAT માં ૯૭% અને IIM માં એડમિશન છતાં શોવિકને જેલમાં જવું પડ્યું!

સુશાંત સિંહ રાજપૂત કેસ પછી સમાજે પરિવારને બહિષ્કૃત કર્યો; અટક 'ચક્રવર્તી' હોવાના કારણે પિતાની મોટી નોકરી છીનવાઈ જતાં બંને ભાઈ-બહેને શરૂ કરી પોતાની બ્રાન્ડ 'ચેપ્ટર 2'

મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીએ તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ તેના પરિવાર પર વિતેલી ભીષણ આપવીતી અને આકરા સંઘર્ષનો સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. ફરાહ ખાનના યુટ્યુબ શો 'ચેપ્ટર 2' ના નવા એપિસોડમાં વાતચિત દરમિયાન રિયાએ જણાવ્યું હતું કે કેવી રીતે ૨૦૨૦ ના કેસ પછી સમાજે તેના પરિવારને નકારી કાઢ્યો હતો અને તેના પિતા તથા નાના ભાઈ શોવિક ચક્રવર્તીને કોઈ નોકરી આપવા પણ તૈયાર નહોતું.

રિયાએ અત્યંત ભાવુક બનીને ખુલાસો કર્યો કે તેના નાના ભાઈ શોવિકે અત્યંત કઠિન ગણાતી CAT પરીક્ષામાં ૯૭% માર્ક્સ મેળવ્યા હતા અને તેનો દેશની પ્રતિષ્ઠિત સંસ્થા IIM માં પ્રવેશ પણ થઈ ગયો હતો. જોકે, ૨૦૨૦ માં વિવાદ સર્જાતાં અને તેની ધરપકડ થતાં તેનું ભવિષ્ય રોળાઈ ગયું હતું. પહેલી ત્રિમાસિક ફી ભરી દીધી હોવા છતાં તેને જેલમાં જવું પડ્યું હતું. જેલમાંથી બહાર આવ્યા બાદ પણ કોઈ કોલેજ કે કંપની તેને સ્વીકારવા તૈયાર નહોતી.

માત્ર ભાઈ જ નહીં, પરંતુ રિયાના પિતાને પણ ભારે અન્યાયનો સામનો કરવો પડ્યો હતો. રિયાના પિતાને એક મોટી હોસ્પિટલમાં 'મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ' જેવી ઉચ્ચ પોસ્ટ પર નોકરી મળી રહી હતી. પરંતુ માત્ર તેમની અટક 'ચક્રવર્તી' હોવાની અને તેઓ રિયા ચક્રવર્તીના પિતા છે તેની જાણ થતાં જ હોસ્પિટલ પ્રશાસને તેમને નોકરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

ચારેય તરફથી દરવાજા બંધ થઈ જતાં અને લોકો પર નિર્ભર રહેવાને બદલે રિયા અને તેના ભાઈ શોવિકે આત્મનિર્ભર બનવાનો નિર્ણય કર્યો. બંને ભાઈ-બહેને મળીને પોતાની ક્લોથિંગ બ્રાન્ડ 'ચેપ્ટર 2' (Chapter 2) લોન્ચ કરી. હાલમાં રિયા પોતાની આ બ્રાન્ડ સફળતાપૂર્વક ચલાવી રહી છે અને રિયાલિટી શો 'ટ્રેટર સીઝન 2' માં જોવા મળી રહી છે, જ્યારે તેનો ભાઈ શોવિક પણ 'બિગ બોસ 20' માં જોવા મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

(6:29 PM IST)