News of Monday, 17th August 2026
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર મેટ્રો સાઇટ પર મોટી બેદરકારી: ગ્રેનાઇટના પથ્થરો નીચે પડતાં MMRDA એ ફટકાર્યો ₹૧૨.૫ કરોડનો મસમોટો દંડ!
દહિસર-મીરા ભાયંદર મેટ્રો લાઇન-૯ ના નિર્માણ દરમિયાન ક્રેન અથડાતાં સર્જાઈ દુર્ઘટના; કોન્ટ્રાક્ટર જે. કુમાર એજન્સી સહિત કન્સલ્ટન્ટ્સ સામે આકરાં પગલાં

મુંબઈ : મુંબઈના અત્યંત વ્યસ્ત ગણાતા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર મેટ્રો લાઇન-૯ ના નિર્માણકાર્ય દરમિયાન સલામતીમાં મોટી ચૂંક સામે આવતા મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) એ આકરું વલણ અપનાવ્યું છે. નિર્માણાધીન મેદેતિયા નગર મેટ્રો સ્ટેશન સાઇટ પર ગ્રેનાઇટના પથ્થરો નીચે પડવાની ઘટનાને ગંભીરતાથી લઈને MMRDA એ સોમવારે મુખ્ય કોન્ટ્રાક્ટર જે. કુમાર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ અને પ્રોજેક્ટ સલાહકારો પર કુલ ₹૧૨.૫ કરોડનો મસમોટો દંડ ફટકાર્યો છે.
આ કડક કાર્યવાહી અંતર્ગત મુખ્ય કોન્ટ્રાક્ટર જે. કુમાર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ (JKIL) ને ₹૧૦ કરોડનો દંડ કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય સહયોગી એજન્સી ગજાનનને ₹૧.૫ કરોડ અને સિસ્ટ્રા-CEG-જનરલ કન્સલ્ટન્ટને ₹૧ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. સોમવાર, ૧૭ ઓગસ્ટના રોજ સવારે આશરે ૧૧:૫૦ વાગ્યે આ ઘટના બની હતી, જ્યારે ક્રેન દ્વારા કાટમાળ અને સામગ્રી ખસેડવાની કામગીરી દરમિયાન સામગ્રીની ટોપલી ફૂટ-ઓવર બ્રિજ (FOB) નજીક મુકેલા ગ્રેનાઇટ પથ્થરોના જથ્થા સાથે અથડાઈ ગઈ હતી.
આ ટક્કરના કારણે ગ્રેનાઇટના ભારે પથ્થરો FOB ના સ્તરેથી નીચે બેરિકેડ કરેલા બાંધકામ ક્ષેત્રમાં આવી પડ્યા હતા. ઘટના અંગે સ્પષ્ટતા કરતા MMRDA એ જણાવ્યું હતું કે કોઈ ગ્રેનાઇટ પથ્થર સીધો કોઈ સ્કૂલ બસ કે વાનને વાગ્યો નથી અને તે સમયે વાહનમાં કોઈ બાળકો હાજર નહોતા. જોકે, બેરિકેડેડ વિસ્તારની બહાર રસ્તા પર પડેલા પથ્થરોના છૂટાછવાયા ટુકડા પરથી એક વાહન પસાર થતાં તેના ટાયર પંચર થઈ ગયા હતા, પરંતુ સદ્નસીબે કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નહોતી.
ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો અને સતત ચાલુ રહેતા ટ્રાફિક વચ્ચે ચાલી રહેલા બાંધકામમાં આવી ગંભીર બેદરકારી સામે આવતા MMRDA એ તમામ એજન્સીઓને કડક સલામતી પ્રોટોકોલનું પાલન કરવા અને તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા નિર્દેશ આપ્યા છે. નોંધનીય છે કે, મેટ્રો લાઇન-૯ દહિસર પૂર્વથી મીરા-ભાયંદર સુધી ઉત્તરીય ઉપનગરોને જોડવા માટે વિકસાવવામાં આવી રહી છે, જ્યાં દરરોજ લાખો મુસાફરોની અવરજવર રહે છે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
