<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

"બધું જ ગુજરાતને ન આપી શકાય": ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અન્નામલાઈનો કેન્દ્ર સરકાર પર સણસણતો પ્રહાર, 'ગુજરાત-કેન્દ્રિત' વિકાસ મોડેલ બદલવા આહ્વાન!

૨૦૩૬ ઓલિમ્પિક, AI અને વેફર કંપનીઓ એક જ રાજ્યમાં કેમ? દિલ્હીના નિર્ણયો સામે તમિલનાડુ ભાજપના પૂર્વ વડાએ બળવાખોર સૂર છેડ્યો

નવી દિલ્હી  : તમિલનાડુ ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને 'વી ધ લીડર્સ' ચળવળના સ્થાપક કે. અન્નામલાઈએ કેન્દ્ર સરકાર અને પક્ષના ટોચના નેતૃત્વ સામે ભારે અસંતોષ વ્યક્ત કરતાં આકરા પ્રહારો કર્યા છે. તેમણે દિલ્હીથી ચાલી રહેલા ભાજપના "ગુજરાત-કેન્દ્રિત વિકાસ મોડેલ" ની સરેઆમ ટીકા કરતા જણાવ્યું હતું કે દેશના તમામ મોટા રોકાણો, હાઈ-ટેક પ્રોજેક્ટ્સ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો ફક્ત અને ફક્ત એક જ રાજ્યમાં કેન્દ્રિત કરી શકાય નહીં.

'ઇન્ડિયા ટુડે તમિલનાડુ રાઉન્ડ ટેબલ' કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પોતાના મનની વાત રજૂ કરતા અન્નામલાઈએ કહ્યું હતું કે, "મારું સ્પષ્ટ માનવું છે કે ભાજપના તમામ મહત્વના નિર્ણયો હવે દિલ્હી-કેન્દ્રિત બની રહ્યા છે, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. આ નીતિમાં હવે વહેલી તકે ફેરફાર કરવો જ પડશે." તેમણે ઉમેર્યું હતું કે સમગ્ર દેશના વિકાસની વાત કરતી વખતે દિલ્હી દ્વારા અપનાવવામાં આવેલા 'ગુજરાત મોડેલ'માં મોટો સુધારો કરવાની જરૂર છે.

પોતાના નિવેદનને વધુ વિગતવાર સમજાવતા તેમણે દાખલા સાથે પ્રશ્નો ઉઠાવ્યા હતા કે, “તમે દેશની તમામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કંપનીઓ કે સેમિકન્ડક્ટર વેફર ઉત્પાદક કંપનીઓને માત્ર એક જ જગ્યાએ મોકલી ન શકો. ૨૦૩૦ ની કોમનવેલ્થ ગેમ્સ ત્યાં જાય, ૨૦૩૦ ની પોલીસ ગેમ્સ ત્યાં જાય અને ૨૦૩૬ ની પ્રસ્તાવિત ઓલિમ્પિક ગેમ્સ પણ અમદાવાદમાં જ યોજાય — આ પ્રકારનું અખિલ ભારતીય વિકાસનું ગુજરાત મોડેલ લાંબો સમય ન ચાલી શકે.”

ઉલ્લેખનીય છે કે અન્નામલાઈએ ગત ૨ જૂન, ૨૦૨૬ ના રોજ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું, જેનો પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને ૫ જૂનના રોજ સ્વીકાર કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે ૧૦૦ દિવસ પૂર્ણ કરનાર થલાપતિ વિજયનું સમર્થન કરતા કહ્યું હતું કે, વિજય હાલ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે કામ કરી રહ્યા છે. તમામ રાજકીય દળો વિરુદ્ધ હોય ત્યારે તમિલનાડુના સિંહાસન પર બેસવું સરળ નથી. એક સચ્ચા તમિલિયન તરીકે તેઓ હાલ વિજયના કાર્યોને પૂરો ટેકો આપી રહ્યા છે.

(6:40 PM IST)